Site icon Gujarat Mirror

કાયમી થતા પહેલા લગ્ન કરશે તો અગ્નિવીર નોકરી ગુમાવશો: નવા નિયમો

લગ્નની મંજૂરી માટે 4 વર્ષનો કાર્યકાળ પૂરો કરવો જરૂરી

અગ્નિવીર યોજના હેઠળ સેનામાં જોડાયેલા અને કાયમી થવાનું સપનું જોતા લાખો યુવાનો માટે ભારતીય સેનાએ એક નવો અને અત્યંત મહત્વપૂર્ણ નિયમ જાહેર કર્યો છે. સેનાએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ અગ્નિવીર તેની કાયમી નિમણૂક પહેલાં લગ્ન કરશે, તો તેને પસંદગી પ્રક્રિયા માટે ગેરલાયક ઠેરવવામાં આવશે.

સેનાની નવી ગાઈડલાઈન મુજબ જે અગ્નિવીરો 4 વર્ષની સેવા પછી સેનામાં કાયમી સૈનિક બનવા માંગે છે, તેઓ જ્યાં સુધી ફાઈનલ પરમેનન્ટ એપોઈન્ટમેન્ટ ન મળે ત્યાં સુધી લગ્ન કરી શકશે નહીં. જો કોઈ ઉમેદવાર પ્રોસેસ દરમિયાન અથવા કાયમી સૈનિક બનતા પહેલા લગ્ન કરી લે છે,તો તે ઓટોમેટિકલી ગેરલાયક ઠરશે. આવા ઉમેદવાર કાયમી સૈનિક બનવા માટે અરજી પણ કરી શકશે નહીં.

સેનાએ લગ્નની મંજુરી માટે નિયમો જારી કર્યા છે એ મુજબ પહેલા 4 વર્ષમાં કાર્યકાળ પુરો કરવાનો રહેશે. સેવા પૂર્ણ થયા બાદ, જે 25% અગ્નિવીરોને કાયમી કરવાના છે, તેમની પસંદગી પ્રક્રિયા ચાલશે. આમાં આશરે 4 થી 6 મહિના નો સમય લાગી શકે છે.

જ્યાં સુધી સેનાનું ફાઈનલ લિસ્ટ અને નિમણૂક પત્ર ન મળે ત્યાં સુધી, એટલે કે સેવા પૂરી થયાના 6 મહિના સુધી પણ લગ્નથી દૂર રહેવું પડશે. એકવાર તમે કાયમી સૈનિક તરીકે નિયુક્ત થઈ જાઓ, પછી તમને લગ્ન કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા મળશે. આ નિયમ અત્યારે એટલા માટે મહત્વનો છે કારણ કે અગ્નિવીર યોજના 2022 માં શરૂૂ થઈ હતી. પહેલી બેચની 4 વર્ષની સેવા જૂન-જુલાઈ 2026 માં પૂર્ણ થવા જઈ રહી છે.

આમાંથી માત્ર 25% (લગભગ 5,000) સૈનિકોને જ કાયમી કરવામાં આવશે. બાકીના 75% નિવૃત્ત થશે. જે 25% યુવાનો કાયમી થવા માંગે છે, તેમણે શારીરિક કસોટી અને લેખિત પરીક્ષાની સાથે સાથે હવે આ ’લગ્ન પ્રતિબંધ’ના નિયમનું પણ પાલન કરવું પડશે.

રિપોર્ટ્સ મુજબ, સેનાએ કડક વલણ અપનાવ્યું છે. જો કોઈ અગ્નિવીર ’વેિટિંગ પીરિયડ’ દરમિયાન લગ્ન કરશે તો તે ભલે ગમે તેટલો હોશિયાર કે ફિટ હોય, તેને કાયમી કરવામાં આવશે નહીં. તેની ઉમેદવારી રદ કરવામાં આવશે. તેથી, અગ્નિવીરોને સલાહ આપવામાં આવી છે કે જ્યાં સુધી ખભા પર કાયમી સૈનિકનો બેજ ન લાગે, ત્યાં સુધી શરણાઈના સૂરથી દૂર રહેવું.

 

Exit mobile version