ચૂંટણીમાં ભૂલ થશે તો મારા ઘરના દરવાજા કાયમ માટે બંધ સમજો, ધારાસભ્ય બારડ

ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. ખાસ કરીને સુત્રાપાડા તાલુકાની કદાવર બેઠક ભાજપ માટે પડકારરૂૂપ…

ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. ખાસ કરીને સુત્રાપાડા તાલુકાની કદાવર બેઠક ભાજપ માટે પડકારરૂૂપ બની રહી હોવાનું માનવામાં આવે છે. આ વચ્ચે ગોરખમઢી ગામે યોજાયેલી ભાજપની જાહેર સભાએ રાજકીય ચર્ચાઓને વધુ તેજ કરી દીધી છે.

સભા દરમિયાન ભગવાન બારડએ આહીર સમાજને સંબોધતા કડક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે જાહેરમાં કહ્યું કે, “ચૂંટણીમાં ભૂલ થશે તો મારા ઘરના દરવાજા કાયમ માટે બંધ સમજો.” તેમના આ નિવેદનને કારણે રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ભારે પ્રતિક્રિયા જોવા મળી રહી છે. ઘણા લોકો આ નિવેદનને મતદારો પર દબાણ લાવવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે.

સભામાં હાજર રાજેશ ચુડાસમાએ પોતાના ભાષણમાં વિરોધ પક્ષોને નિશાન બનાવ્યા હતા. તેમણે ચૂંટણીને “સીઝન” ગણાવી અને કહ્યું કે આ સમયમાં દરેક વ્યક્તિ પોતાનો “માલ” વેચવા આવે છે. તેમણે મતદારોને “ખરાબ ગુણવત્તાવાળા ઉમેદવારો”થી સાવચેત રહેવા જણાવ્યું હતું. સાથે જ ભાજપને “કેસરિયો ખેસ, કમળનું ચિહ્ન અને નરેન્દ્ર મોદી જેવી મજબૂત બ્રાન્ડ” તરીકે રજૂ કરીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ સભામાં અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા અને થયેલા નિવેદનોને કારણે સમગ્ર જિલ્લામાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે. નેતાઓના તીખા શબ્દો અને પરસ્પર આક્ષેપોને કારણે ચૂંટણી પહેલાં જ તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે. હવે જોવાનું રહ્યું કે આ નિવેદનો મતદારોને કેટલી અસર કરે છે અને આવનારી ચૂંટણીમાં તેનો શું પ્રભાવ પડે છે.