ગુજરાત

હેલ્થ સેન્ટરમાં દીકરીનો જન્મ થશે તો જિ.પં. આપશે રૂા.4000

Published

on

વિચરતી જાતિના વિદ્યાર્થીઓને ધો.12 સુધી દર વર્ષ રૂા.5000ની સ્કોલરશિપ ચૂકવાશે: જળસંચય યોજના અંતર્ગત કામ દીઠ રૂા.60000ની જોગવાઇ: પ્રમુખ સહિત સભાસદોએ પોતાનું વેતન આકસ્મિક ફંડમાં જમા કર્યું: સામાન્ય સભામાં વિવિધ ઠરાવોને બહાલી

રાજકોટ જિલ્લા પંચાયત કચેરીનું હોસ્પીટલ ચોકમાં આવેલ જુની કોર્ટમાં સ્થળાંતર કર્યા બાદ આજે પ્રથમ સામાન્ય સભા યોજાઇ હતી. આ સભામાં વિવિધ ઠરાવો રજુ કરવામાં આવ્યા હતા જેને તમામ સભ્યોએ બહાલી આપી હતી. રાજકોટ જિલ્લાના હેલ્થ સેન્ટરોમાં દિકરીનો જન્મ થશે તો જિલ્લા પંચાયત દ્વારા રૂા.4 હજાર ચુકવવામાં આવશે તેમજ વિચરતી જાતીના વિદ્યાર્થીઓને દર વર્ષે રૂા.5 હજારની સ્કોલરશીપ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.


રાજકોટ જિલ્લામાં આરોગ્યની સેવાઓ સુદ્રઢ બને અને ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા લોકોને તાલુકા અને જિલ્લા આરોગ્ય કેન્દ્રમાં યોગ્ય સારવાર મળી રહે તેમજ હેલ્થ સેન્ટરોમાં સારવાર માટે મોટા પ્રમાણમાં લોકો આવે તેમજ સગર્ભા મહીલાઓને સારવાર મળી રહે તે માટે જિલ્લા પંચાયત દ્વારા પોષણ સહાય યોજના શરૂ કરવમાં આવી છે. આ યોજના અંતર્ગત દિકરીના જન્મ સમયે પરિવારને એક કીલો ગીર ગાયનું ઘી, દવાની કીટ અને જરૂરીયાત મુજબના કપડા માટે રૂા.4 હજારની મદદ કરવામાં આવશે. તે માટે અંદાજે 10 લાખ રૂપીયાની જોગવાઇ આગામી રિવાઇઝ બજેટમાં કરવા ઠરાવ કરાયો હતો. આ યોજના અમલમાં લાવનાર રાજકોટ જિલ્લા પંચાયત રાજયની પ્રથમ સ્થાનીક સંસ્થા બની છે.


જિલ્લામાં વસવાટ કરતી વિચરતી જાતીના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે શિક્ષણ સહાય યોજના શરૂ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત ધોરણ 1 થી 12 સુધી દર વર્ષે રૂા.5 હજારની સહાય સ્કોલરશીપના સ્વરૂપે આપવામાં આવશે. જેનો અંદાજે લક્ષ્યાંક 400 રાખવામાં આવ્યો છે અને તેના માટે 20 લાખની જોગવાઇ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં આવેલા કેટલાક તાલુકાઓમાં વિચરતી જાતીના લોકોને વસવાટ બહોળા પ્રમાણમાં છે. તેમના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે આ યોજના શરૂ કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો.


જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવેલ હતો જેમાં જળ સંચય જન ભાગીદારી અભિયાન હેઠળ તમામ સદસ્ય દીઠ બે હજાર સંચયના કામો આપવામાં આવશે. એક જળ સંચયના કામદીઠ રૂા.60 હજારની સહાય ચુકવવામાં આવશે. જેનો ખર્ચ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી આપવામાં આવશે. જળ સંચાય યોજનાની અમલવારીથી રાજકોટ જિલ્લામાં જળનું સ્તર ઉંચું આવશે. બોરના પાણી જે ઉંડા ઉતરી ગયા છે તે ઉપર આવશે. સામાન્ય રીતે જાન્યુઆરી મહીનામાં જ બોરના પાણી સુકાઇ જતા હોય છે પરંતુ આ યોજનાથી ભવિષ્યમાં ખેડુતોને સમસ્યા થશે નહીં.


રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા આકસ્મીક ખર્ચ માટે સ્વભંડોળ માટે વિકાસ ફંડ નામે સ્થાપના કરવમાં આવી હતી. આ ફંડમાં સામાજીક, ધાર્મીક સંસ્થાઓને પણ જોડાવા માટે અપીલ કરવામાં આવશે અને ફંડને જિલ્લા વિકાસ કામો માટે વાપરવામાં આવશે. જિલ્લા પંચાયત પ્રમુખ સહીત તમામ સભાસદોએ આ વિકાસ ફંડમાં પોતાનું માનદ વેતન આપવાની પણ જાહેરાત કરી ઠરાવ કરવામાં આવ્યો હતો.

જામકંડોરણાના અગ્નિવીર શહીદના પરિવારને 1 લાખની સહાય અર્પણ
તાજેતરમાં જ જામકંડોરણાના વતની અગ્નિવિર સૈનિક વિશ્ર્વરાજસિંહ ગોહીલ નાસીક ખાતે ફરજ દરમિયાન શહિદ થયા હતા. તેઓના પરિવારને રૂ.1 લાખની સહાય ચુકવવામાં આવી હતી. ઉપરાંત શહિદ તેમજ જિલ્લા પંચાયતના મૃતક કર્મચારી અને દેશના ઉદ્યોગપતિ રતન ટાટાને મૌન પાડી શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ હતી.

પાક સરવેમાં વહાલા-દવલાની નીતિ: પ્રમુખ-સભ્ય વચ્ચે શાબ્દિક બોલાચાલી
રાજકોટ જિલ્લામાં પડેલા વરસાદથી ખેતીના પાકને વ્યાપક નુકશાન થયું છે. તેના સર્વેની કામગીરી કરવામાં આવી હતી. જે કામગીરી પુર્ણ થઇ ગઇ હોવાનો રિપોર્ટ સરકારમાં મોકલવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસના ભાડલા બેઠકના સભ્ય મનસુખ સાકરીયાએ કહ્યું હતું કે સર્વેની કામગીરીમાં વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવી છે અને મેં જે ગામો અંગે રજુઆત કરી છે તે ગામોને નજરઅંદાજ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ સભ્યની આ રજુઆતને જિલ્લા પંચાયત પ્રમુખે સસ્તી પ્રસિધ્ધી જણાવતા સામાન્ય સભામાં પ્રમુખ અને સભ્યો વચ્ચે શાબ્દીક બોલાચાલી થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version