ગુજરાત
બિલ્ડરોના ડઝન સ્થળે સતત બીજા દિવસે I.T.ની તપાસ
રત્નમ, સિદ્ધેશ્વર, ન્યાલકરણ અને કોર્ટયાર્ડ ગ્રૂપ સાથે જોડાયેલ ફાઈનાન્સરો,ઇવેન્સ્ટરો, આર્કિટેક્ચરને ત્યાં સર્ચ
હિસાબી ચોપડા, ઇલેક્ટ્રોનિક રેકોર્ડ ચકાસણી બાદ આજે બેંક લોકરો અને મોટા વ્યવહારોની ઝીણવટભરી તપાસ
અમદાવાદ, વડોદરા અને સુરતમાં માં દિવાળી પહેલા ઇન્કમટેક્સ વિભાગે મોટું ઓપરેશ હાથ ધરી 23 સ્થળે તપાસ હાથ ધરતા બિલ્ડર લોબીમાં સોપો પડી ગયો હતો. વડોદરાના હરણી મોટનાથ મંદિર પાસે શરૂૂ કરવામાં આવેલી રત્નમ ગ્રુપની સ્કીમના સંચાલક નિલેશ શેઠ તેના ભાઈ પ્રકાશ શેઠ, ભાયલી સેવાસીમાં સ્કિમો કરનાર કોટયાર્ડના શેઠ બ્રધર્સ, હાઇવે બાયપાસ રોડ પર સ્કીમ કરનાર ન્યાલકરણ ગ્રુપ સિદ્ધેશ્વર અને શ્રીમયી ગ્રુપ સહિત તેમના પાર્ટનરોના નિવાસસ્થાન તેમજ ઓફિસો ખાતે ગઈકાલે શરૂૂ થયેલી આવકવેરા વિભાગના દરોડાની કામગીરી આજે બીજા દિવસે પણ યથાવત ચાલુ રહી હતી. રત્નમ ગ્રુપ સાથે સંકળાયેલા આર્કિટેક તેમજ અન્ય ફાયનાન્સરને ત્યાં પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે.
આવકવેરા વિભાગે અમદાવાદ, વડોદરા અને સુરતમાં આજે બીજા દિવસે પણ ચાર મોટા બિલ્ડર ગ્રુપને ત્યાં દરોડાનો દૌર યથાવત રાખવામાં આવ્યો છે. ગઈકાલે ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા બિલ્ડર અને તેના ભાગીદારોને ત્યાં 23 સ્થળે તપાસ કરી ડીઝીટલ ડેટા કબજે કરી વિવિધ વ્યવહારોની ચકાસણી બાદ હવે આજે મોટા વ્યવહારોની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
બિલ્ડર ગ્રુપ સાથે જોડાયેલ કેટલાક ફાઈનાન્સરો,ઇવેન્સટરો, આર્કિટેક્ચર તથા કેટલાક વેપાર સાથે પણ સીધી કે આડકતરી રીતે સંકળાયેલા હોય આ તમામ સુધી પણ તપાસનો રેલો પહોંચવાની શક્યતા છે. આજે બીજા દિવસે 12 જેટલા સ્થળોએ તપાસ ચાલુ રાખવામાં આવી છે. ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા વડોદરાના ચાર જાણીતા બિલ્ડર ગ્રુપ પરના વડોદરા,અમદાવાદ અને સુરતના સ્થળોએ સામુહિક દરોડા પાડ્યા હતા. રત્નમ, સિદ્ધેશ્વર, ન્યાલકરણ અને કોર્ટયાર્ડ ગ્રુપના 23 જેટલા સ્થળોએ આવકવેરા વિભાગે હાથ ધરેલા સર્ચ ઓપરેશન બાદ આજે બીજા દિવસે એક ડઝન સ્થળે તપાસ પણ ચાલુ રહી છે. દિવાળી ટાણે ઇન્કમટેક્સના સુપર ઓપરેશનને પગલે બિલ્ડર લોબીમાં ભારે સન્નાટો વ્યાપી જવા પામ્યો છે. રત્નમ, સિદ્ધેશ્વર, ન્યાલકરણ અને કોર્ટયાર્ડ નામાંકિત બિલ્ડર ગ્રુપ છે અને તેમની વૈભવી સાઇટો ચાલી રહી છે. સાથે જ તેમના રીયલ એસ્ટેટ સિવાયના વર્ટીકલ્સમાં પણ રોકાણ છે.
અમદાવાદ, સુરત,વડોદરા અને રાજકોટ ના મળીને 200 જેટલા ઇન્કમટેક્સ અધિકારીઓ આ દરોડામાં અને તપાસમાં જોડાયા છે. ગઈકાલે દરોડા બાદ હિસાબી ચોપડા, ઇલેક્ટ્રોનિક રેકોર્ડ વગેરેની ચકાસણી કર્યા બાદ આજે મોટા વ્યવહારોની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. ગઈકાલે 23 જેટલા સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. જે આજે એક ડઝન જગ્યાઓ પર ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇન્કમટેક્ષ વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર, તપાસનો રેલો ગ્રુપના મુખ્ય બિલ્ડરોના બેંક એકાઉન્ટ અને લોકર સુધી જઇ શકે છે.
મોટા હિસાબો મળી આવતા હવે બેંકના લોકરમાંથી પણ તપાસના અંતે મોટી સફળતા મળે તેવી આશા ઇન્કમટેક્ષના અધિકારીએ સેવી રહ્યા છે. હાલમાં ચાલતી નિવાસ સ્થાન, અને ઓફિસ પરની કાર્યવાહી બાદ બેંક લોકર સુધી તપાસ જવાની પ્રબળ શક્યતાઓ છે. જેટલી લાંબી તપાસ ચાલશે, તેટલા કરચોરીના પોપડા ઉખડતા જશે, તેવી લોકચર્ચા હાલ ચાલી રહી છે.
ઇન્કમટેક્સની ટીમ ઘરે આવી ત્યારે બિલ્ડરના પુત્રએ મહત્ત્વની ફાઇલ પાણીની ટાંકીમાં ફેંકી દીધી
ઇન્કમટેક્ષની ટીમ ગઈકાલે સમા-સાવલી રોડ પર રહેતા એક બિલ્ડરના નિવાસ સ્થાને દરોડા માટે પહોચી ત્યારે અચાનક ઇન્કમટેક્ષ વિભાગની ટીમો ત્રાટકી હોવાની જાણ થતા પરિવારના સભ્યોએ કરચોરીથી બચવા દસ્તાવેજ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો એટલું જ નહી પણ બિલ્ડરના પુત્રએ એક મહત્વની ફાઇલ પાણીની ટાંકીમાં ફેંકી દીધી હતી. પરિવારનો સભ્ય વારે વારે તે દિશામાં જોતો હોવાથી ઇન્કમટેક્સ અધિકારીને શંકા ગઇ હતી. બાદમાં તેમણે જાતે તપાસ કરતા ટાંકી તરફ નજર પડી હતી. શંકાના આધારે પાણીની ટાંકીમાં તપાસ કરતા ફાઇલ અને તેમાં રાખેલા કાગળિયા તરતા નજરે પડ્યા હતા. આખરે ફાઇલ અને ભીના થયેલા કાગળિયાને સાવચેતી પૂર્વક સુકવવા મુકવામાં આવ્યા હતા. જે સુકાઇ જતા તેમાં રહેલી વિગતો પણ બારીકાઇ પૂર્વક જાણવામાં આવી હતી.