ગુજરાતમાં દમણ જિલ્લા વહીવટીતંત્રે મહિન્દ્રા થાર અને ટોયોટા ફોર્ચ્યુનર કારના માલિકોને સલામત રીતે વાહન ચલાવવાના શપથ લેવડાવ્યા છે. ગત 9 સપ્ટેમ્બર, 2026ની સાંજે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં યોજાયેલી માર્ગ સલામતી અભિયાન દરમિયાન, દમણ જિલ્લા કલેક્ટર સૌરભ મિશ્રાએ કહ્યું હતું કે થાર ગુંડાગીરી અને લુખ્ખાગીરી બતાવવા માટે નથી.
તેમણે ઉમેર્યું કે, થાર એટલે જવાબદારી. મિશ્રાએ થાર માલિકોને કહ્યું કે તેઓએ જવાબદાર નાગરિકોની ભૂમિકા ભજવવી જોઈએ. રસ્તા પર મહિલાઓને મદદ કરવાની સાથે સાથે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની મદદ માટે પણ આગળ આવવું જોઈએ.
બુધવારે મોડી રાત્રે, કેન્દ્રશાસિત પ્રદેશના માહિતી અને પ્રચાર વિભાગે X પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં થાર અને ફોર્ચ્યુનરના માલિકો રોડ સેફ્ટીના શપથ લેતા જોવા મળ્યા હતા. વિભાગે પોસ્ટમાં આનંદ મહિન્દ્રાને પણ ટેગ કર્યા હતા. આ પહેલા સેંકડો થાર અને ફોર્ચ્યુનર દમણના ખુલ્લા મેદાનમાં લાઇનમાં ઉભા હતા. તેમના માલિકો પણ વાહનોની સામે લાઇનમાં ઉભા હતા. કલેક્ટર મિશ્રા અને ઘણા પોલીસ અધિકારીઓ એક નાના પ્લેટફોર્મ પર પહોંચ્યા હતા અને વાહન માલિકોને સંબોધિત કર્યા હતા.
માલિકો અને ડ્રાઇવરોને તેમના હાથમાં માર્ગ સલામતીને લગતા સંદેશાઓ સાથેના પ્લેકાર્ડ્સ સાથે મેદાનમાં વાહનોની આસપાસ ચક્કર લગાવવાનું કહેવામાં આવ્યું હતું. આ પછી તેમને હિન્દીમાં રોડ સેફ્ટીના શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેનો વીડિયો પણ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. થાર માલિકોએ શપથ લીધા – હું પ્રતિજ્ઞા લઉં છું કે હું બહુ સ્પિડમાં અને બેદરકારીમાં વાહન ચલાવીશ નહીં. હું રસ્તા પર મારી કાર સાથે કોઈ સ્ટંટ, રેસિંગ કે ડ્રિફ્ટિંગ નહીં કરું અને બીજા કોઈને તે કરવા દઈશ નહીં. હું દારૂૂના નશામાં વાહન ચલાવીશ નહીં.
વાહન માલિકો અને ડ્રાઇવરોએ પણ પરવાનગી વિના વાહનોમાં ફેરફાર ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આમાં સાયલેન્સર અથવા વધારાની લાઇટ્સ ઇન્સ્ટોલ કરવા, વ્હીલ્સમાં ફેરફાર કરવા અને વિંડોઝમાં બ્લેક પ્લાસ્ટિક ફિલ્મ લગાવવાનો સમાવેશ થાય છે. તેમણે એવી પણ પ્રતિજ્ઞા લીધી હતી કે, હું બિનજરૂૂરી રીતે હોર્ન વગાડવાનું ટાળીશ અને તમામ નિયમો અને કાયદાનું પાલન કરીશ.
