ગુજરાત
‘હું આર્મીમાં કેપ્ટન છું’ ગીર સોમનાથના શખ્સે આર્મીમાં નોકરી અપાવી દેવાની લાલચે છ લોકો પાસેથી 10 લાખ પડાવ્યા
ગુજરાતમાં એક પછી એક નકલી અધિકારી, કર્મચારી અને વસ્તુઓ પકડવાનો સિલસિલો યથાવત છે, ત્યારે જુનાગઢમાંથી એ ડિવિઝન પોલીસે નકલી આર્મી મેન ઝડપી પાડ્યો છે.પ્રવીણ સોલંકી નામના યુવાને પોતે આર્મીમાં કેપ્ટન તરીકે જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતો હોવાની ઓળખ આપી જૂનાગઢ, કેશોદ અને માંગરોળના 6 યુવાન સાથે 10 લાખથી વધુની છેતરપિંડી કર્યાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
આર્મીમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી જૂનાગઢના દિવ્યેશ ભુતિયા નામના યુવાન સાથે નકલી આર્મીમેનને ટ્રેનમાં મુલાકાત થઈ હતી અને ત્યારબાદ નકલી આર્મી મેન પ્રવીણ સોલંકીએ દિવ્યેશ ભૂતિયાને આર્મીના સ્પોટર્સ કોટામાં નોકરી અપાવી દેવાની લાલચ આપી 6 લાખ રૂૂપિયા આપવા પડશે તેવી માગણી કરી હતી. ત્યારે દીકરાને નોકરી મળી જાય તેવી આશાથી દિવ્યેશ ભૂતિયાના પિતાએ પ્રવિણ સોલંકીને 3 લાખ રૂૂપિયા આપ્યા હતા.
નકલી આર્મીમેન પ્રવિણ સોલંકીએ ફરિયાદી દિવ્યેશ ભૂતિયાને પોતે આર્મીમાં હોવાનો વિશ્વાસ અપાવવા માટે આર્મીની નકલી પગાર સ્લીપ, કેન્ટીન કાર્ડ, નેશનલ સિક્યુરિટી એજન્સી અને આર્મી યુનિફોર્મના ફોટા મોકલી વિશ્વાસમાં લીધો હતો. પરંતુ સમય જતા ઘણા લાંબા સમય બાદ રૂૂપિયા આપ્યા બાદ પણ નોકરી ન મળતા ફરિયાદી દિવ્યેશ ભૂતિયા છેતરપિંડીનો ભોગ બન્યો છે, તેની જાણ થઈ હતી. જેને લઈ ફરિયાદીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે નકલી આર્મીમેન પ્રવિણ સોલંકીની ધરપકડ કરી છે.
હાલ જુનાગઢ એ ડિવિઝન પોલીસે નકલી આર્મીમેન પ્રવીણ સોલંકીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ નકલી આર્મી મેન પ્રવિણ સોલંકી દ્વારા હજુ પણ કોઈ વધુ લોકો સાથે જો છેતરપિંડી આચરી હોય તો આવા લોકો જુનાગઢ એ ડિવિઝનનો સંપર્ક કરી આ વ્યક્તિ વિરુદ્ધ પોતાની ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે.