Site icon Gujarat Mirror

પૂર્વ પત્નીના હત્યારા પતિને આજીવન કેદ

છૂટાછેડા બાદ કેટરર્સના કામે ગયેલી ત્યકતાને પાર્ટી પ્લોટ બહાર બોલાવી છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુ’તું

રાજકોટમાં સાત વર્ષ પૂર્વે છૂટાછેડા બાદ કેટરર્સના કામે ગયેલી પૂર્વ પત્નીનો પીછો કરી પાર્ટી પ્લોટ બહાર બોલાવી સબંધ રાખવા દબાણ કરી છરી વડે જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવી હતી. પૂર્વ પત્નીની હત્યાના ગુનામાં સંડોવાયેલા પૂર્વ પતિને અદાલતે આજીવન કેદની સજા અને રૂૂ.10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં આવેલા આંબેડકનગરમાં રહેતી દીપિકાબેન રમેશભાઈ સોલંકીના રાજકોટમાં જ રહેતા અશ્વિન ડાયાભાઈ પરમાર સાથે લગ્ન થયા હતા અને દંપતિ વચ્ચે અણ બનાવ બનતા વર્ષ 2018 માં છુટાછેડા થઈ હતા.

છુટાછેડા બાદ દીપિકાબેન સોલંકી તેની બહેન આસ્થાબેન સોલંકી સાથે તા.11/3/2018 ના રોજ કાલાવડ રોડ ઉપર આવેલ જે.એસ. પાર્ટી પ્લોટમાં કેટરર્સના કામે ગઈ હતી ત્યારે પૂર્વ પતિ અશ્વિન પરમાર રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં જે.એસ. પાર્ટીપ્લોટ ખાતે પહોંચ્યો હતો અને બે માસ પૂર્વે જ છુટાછેડા થઈ ગયા હોવા છતાં દીપિકાબેન સાથે સંબંધ રાખવાની જીદ સાથે દીપિકાબેનને ફોન કરી બહાર બોલાવતા દિપીકાબેન તેની નાની બહેન આસ્થાબેન સાથે પાર્ટી પ્લોટની બહાર આવી હતી.

દીપિકાબેન પરમાર બહાર આવતાની સાથે જ પૂર્વ પતિ અશ્વિન પરમારે ઝઘડો કરી દિપીકાબેન ઉપર હુમલો કરી વાસા અને પેટના ભાગે છરીના ચાર જેટલા છરીના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલી દીપિકાબેન પરમારને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગે તાલુકા પોલીસ મથકમાં દીપિકાબેન પરમારની માતાએ અશ્વિન પરમાર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસમાં તપાસ અધિકારી દ્વારા આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળતા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું.

ચાર્જશીટ બાદ કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા નજરે જોનાર સહિત કુલ 17 જેટલા સાહેબોની જુબાની લેવામાં આવી હતી અને દીપિકાબેન આપેલ મરણોન્મુખ નિવેદન તેમજ સરકારી વકીલ અને ફરિયાદી પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઇ સેશન્સ કોર્ટે પૂર્વ પત્નીના હત્યારા આરોપી અશ્વિન ડાયાભાઇ પરમારને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂૂ.10 હજારનો દંડ ફટકારતો હુકમ ફરમાવ્યો છે.આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા અને મૂળ ફરિયાદી વતી યુવા એડવોકેટ વિવેક એન. સાતા રોકાયા હતા.

Exit mobile version