ક્રાઇમ
‘શિકારી’ યહાં ખુદ ‘શિકાર’ હો ગયા : કેશોદમાં ચંદનઘોનો શિકાર કરતા ચાર શખ્સ ઝડપાયા
વન વિભાગની ટીમે બે ઘો, ડોબરમેન શ્ર્વાન અને શિકાર કરવાની જાળી કબ્જે કરી
જુનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર રીતે થતા પશુ ,પ્રાણીઓના શિકારને ડામવા સૂચના અપાતા વન વિભાગ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે કેશોદ તાલુકાના ધાબાવડ ગામ પાસેથી ચંદન ઘોનો શિકાર કરતા ચાર શિકારીઓને વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલ ચારે શિકારીઓ દ્વારા રિક્ષા લઈ, શિકાર કરવાની જાળ સાથે રાખી ડોબરમેન શ્વાનને લઈ શિકાર કરવા જતા હોવાનું સામે આવ્યું છે. કેશોદ વન વિભાગ દ્વારા સ્ટાફ જ્યારે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન કેશોદ શહેરના અજાબ ગામ નજીક ધાબાવડ પાસે રિક્ષામાં બેસેલા ગડોદરના મુકેશ હમીર ડગરા, ભોજા વેલજી ડાંગરા, ભાઈજી વલ્લભ વાઘેલા અને શંભુભાઈ બચુભાઈ સોઢા નામના ચાર શિકારીઓને વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા.
પકડાયેલ ચારે શિકારીઓ પાસેથી વન વિભાગ દ્વારા મૃત હાલતમાં બે ઘો ,ડોબરમેન શ્વાન, રીક્ષા અને શિકાર કરવાની જાળ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા આ ચારે શિકારીઓ વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમના કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનામાં ઝડપાયેલા ચારે શિકારીઓને ફર્સ્ટ ક્લાસ જ્યુ.મેજીસ્ટ્રેટ કેશોદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તમામ આરોપીઓના જામીન મંજૂર કરતા ચારે આરોપીઓને જુનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા છે.