ગઇકાલે સાંજે પત્રકાર રાણા પ્રતાપની તેમના કારખાનામાંથી બહાર કાઢી ગોળી વરસાવી હત્યા થયા પછી રાત્રે કરિયાણાના વેપારી મોની ચક્રવર્તીનું તીક્ષ્ણ હથિયારો સાથેના હુમલામાં મૃત્યુ: એક મહિનામાં 6 હિંદુનો ભોગ લેવાયો
બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય સામે હિંસાની ઘટનાઓ વધુને વધુ ગંભીર બની રહી છે. સોમવારે રાત્રે, બીજી એક ચોંકાવનારી ઘટના બની, જેમાં નરસિંગડી જિલ્લાના પોલશ સબડિસ્ટ્રિક્ટ વિસ્તારમાં એક હિન્દુ દુકાનદારની નિર્દયતાથી હત્યા કરવામાં આવી. આ ઘટના છેલ્લા કેટલાક દિવસોમાં માર્યા ગયેલા હિન્દુઓની સંખ્યા છ પર લઈ ગઈ છે, જે દેશમાં લઘુમતીઓની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. આ આંકડો જાહેરમાં નોંધાયેલા મૃત્યુ દર્શાવે છે, જ્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
અહેવાલો અનુસાર, ચોરાસિંદુર બજારમાં કરિયાણાની દુકાન ચલાવતા મોની ચક્રવર્તી પર 5 જાન્યુઆરીના રોજ રાત્રે 10 વાગ્યે અજાણ્યા હુમલાખોરો દ્વારા અચાનક તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક લોકોએ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. મોની ચક્રવર્તી મદન ચક્રવર્તીના મોટા પુત્ર હતા અને તે વિસ્તારમાં એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ તરીકે જાણીતા હતા.
મોની ચક્રવર્તીની હત્યા પહેલા, પત્રકાર રાણા પ્રતાપ બૈરાગીની પણ બાંગ્લાદેશમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સોમવારે સાંજે 6 વાગ્યે જશોર જિલ્લાના મણિરામપુર વિસ્તારમાં ગુનેગારો દ્વારા રાણા પ્રતાપની ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હુમલાખોરો મોટરસાયકલ પર આવ્યા હતા, તેમને તેમની બરફ ફેક્ટરીમાંથી બહાર કાઢ્યા હતા, નજીકની ગલીમાં લઈ ગયા હતા અને ઝઘડા પછી, તેમના માથામાં ઘણી ગોળી મારી હતી.
દરમિયાન અખબારના સંપાદક અબુલ કાસિમે જણાવ્યું હતું કે રાણાપ્રતાપ અમારા કાર્યકારી સંપાદક હતા. ભુતકાળમાં તેમની સામે કેસ દાખલ થયા હતા પરંતુ બધા જ કેસોમાં તેમને નિર્દોષ જાહેર કરાયા હતા. આ હત્યાનું કારણ હું કહી શકતો નથી.
બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના છ સભ્યોની હત્યા કરવામાં આવી છે. મોની અને રાણા પ્રતાપ ઉપરાંત, તેમાં દીપુ દાસ, અમૃત મંડલ, બજેન્દ્ર બિશ્વાસ અને ખોકોન દાસનો સમાવેશ થાય છે. કથિત નિંદાના આરોપમાં દીપુ દાસની હત્યા કરવામાં આવી હતી, જ્યારે ઉદ્યોગપતિ ખોકોન દાસ પર ટોળાએ હુમલો કર્યો હતો, પેટ્રોલ છાંટીને જીવતો સળગાવી દીધો હતો. ઘણા દિવસોની હોસ્પિટલમાં સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું.
હત્યાઓના આ સિલસિલાએ બાંગ્લાદેશમાં સાંપ્રદાયિક તણાવને વધુ વધાર્યો છે. હિન્દુ સમુદાયમાં ભયનું વાતાવરણ છે, અને લોકો સરકાર પાસેથી નક્કર સુરક્ષા પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે જો સમયસર કડક પગલાં લેવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે. આ કેસોમાં હાલમાં પોલીસ તપાસ ચાલી રહી છે, પરંતુ કોઈ મોટી ધરપકડની પુષ્ટિ થઈ નથી.
હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપ્યા
બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાય પરના હુમલા અટકવાનું નામ નથી લઈ રહ્યા. બાંગ્લાદેશના ઝેનૈદાહ જિલ્લાના કાલીગંજમાં 40 વર્ષીય હિન્દુ મહિલા પર હેવાનોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો હતો. એટલું જ નહીં, નરાધમોએ મહિલાને ઝાડ સાથે બાંધી દીધી હતી અને અપમાનિત કરવા માટે તેના વાળ પણ કાપી નાખ્યા હતા. પીડિતા પોતાના બાળ સાથે એકલી રહેતી હતી, કારણ કે તેના પતિનું અગાઉ જ અવસાન થઈ ચૂક્યું હતું. પીડિતાએ નદીપારાના રહેવાસી શાહીન પાસેથી અઢી વર્ષ પહેલાં 20 લાખ રૂૂપિયામાં 3 દશાંશ જમીન અને મકાન ખરીદ્યું હતું. આ સોદા બાદ શાહીનની દાનત બગડી હતી અને તે અવારનવાર મહિલાની પજવણી કરતો હતો. ઘટનાના દિવસે જ્યારે મહિલાના ઘરે તેના બે સંબંધીઓ આવ્યા હતા, ત્યારે શાહીન અને તેનો સાથી હસન બળજબરીથી ઘરમાં ઘૂસી ગયા હતા.
તેમણે પહેલા સંબંધીઓને માર મારીને ભગાડી મૂક્યા અને ત્યારબાદ મહિલા પાસે 50,000 રૂૂપિયાની ખંડણી માંગી હતી. જ્યારે મહિલાએ ઈન્કાર કર્યો, ત્યારે બંનેએ તેની પર જાતીય હુમલો કર્યો હતો. ક્રૂરતા અહીં જ અટકી ન હતી. આરોપીઓએ મહિલાની ચીસો દબાવવા માટે તેને ઘરની બહાર ઢસડીને એક ઝાડ સાથે બાંધી દીધી હતી અને જાહેરમાં તેના વાળ કાપી નાખ્યા હતા. આ સમગ્ર ઘટનાનો તેમણે વાયરલ વીડિયો પણ કર્યો હતો.

