કોડીનારના શિંગોડા ડેમમાં મહાકાય મગર દેખાતા ફફડાટ

કોડીનાર તાલુકાના છાછર અને શુગાલા ગામ વચ્ચે આવેલા શિંગોડા ડેમના દરવાજા પાસે એક મહાકાય મગર પાણીમાં તરતો દેખાયો છે. સ્થાનિક ખેડૂતે પોતાના મોબાઈલ કેમેરામાં આ…

કોડીનાર તાલુકાના છાછર અને શુગાલા ગામ વચ્ચે આવેલા શિંગોડા ડેમના દરવાજા પાસે એક મહાકાય મગર પાણીમાં તરતો દેખાયો છે. સ્થાનિક ખેડૂતે પોતાના મોબાઈલ કેમેરામાં આ દ્રશ્યો કેદ કર્યા હતા. આ વિસ્તારના ડેમ અને નદીઓમાં મગરોનું સામ્રાજ્ય વધી રહ્યું હોવાથી સ્થાનિક રહીશોમાં ભારે ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

તાજેતરમાં જ ગીર ગઢડાના હરમડીયા નજીક આવેલી સાંગાવાડી નદીમાં મગરે એક બાળકનો શિકાર કર્યો હતો. આ હૃદયદ્રાવક ઘટના હજુ લોકોના માનસમાંથી ભૂસાઈ નથી, ત્યાં શિંગોડા ડેમ પાસે ફરી મહાકાય મગર દેખાતા સ્થાનિકો ફફડી ઉઠ્યા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ડેમના દરવાજા નજીક હવે રોજિંદા ધોરણે મગરો જોવા મળી રહ્યા છે.

હાલ ઉનાળાની સિઝન હોવાથી ગ્રામીણ વિસ્તારોના લોકો અને બાળકો નદી કે ડેમના પાણીમાં નાહવા જતા હોય છે. આ ગંભીર જોખમને ધ્યાનમાં રાખીને, સ્થાનિક વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા મગર પ્રભાવિત નદી તેમજ ડેમ વિસ્તારોમાં તાત્કાલિક અસરથી ’ચેતવણી દર્શક બોર્ડ’ મૂકવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.
સ્થાનિક તંત્ર આ સમગ્ર પરિસ્થિતિથી વાકેફ હોવા છતાં હજુ સુધી સુરક્ષાના કોઈ પગલાં ન લેવાયા હોવાથી લોકોમાં વ્યાપક કચવાટ છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને મગર કોઈ માનવ જીવનો ભોગ લે, તે પહેલાં વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં નક્કર પગલાં ભરવામાં આવે તેવી લોકઈચ્છા છે.