સાઉદીના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભયાનક હુમલો: 1નું મોત, ભારતીય સહિત 8 ઘાયલ

  મિડલ ઈસ્ટમાં તણાવ ચરસીમાએ પહોંચ્યો છે. સાઉદી અરેબિયાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ઓઈલ ફિલ્ડ પર થયેલા હુમલાઓને પગલે સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે. મળતી…

 

મિડલ ઈસ્ટમાં તણાવ ચરસીમાએ પહોંચ્યો છે. સાઉદી અરેબિયાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ઓઈલ ફિલ્ડ પર થયેલા હુમલાઓને પગલે સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે.

મળતી માહિતી મુજબ સાઉદી અરેબિયાના દમ્મામ સ્થિત કિંગ ફહદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે મોડી રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હોવાના અને અન્ય આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. હુમલાના કારણે એરપોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે.સાઉદી નાગરિક ઉડ્ડયન સત્તામંડળે ગુરુવારે સવારે આ ઘટના અંગે માહિતી આપી હતી. સત્તામંડળના જણાવ્યા અનુસાર, હુમલામાં એરપોર્ટને થોડું નુકસાન પહોંચ્યું હતું. હુમલાને કારણે એરપોર્ટની કામગીરી પર પણ અસર જોવા મળી હતી.

બીજી તરફ, મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે. સાઉદી ગઠબંધનના જણાવ્યા અનુસાર, દેશના પૂર્વીય વિસ્તારમાં ચાર ડ્રોનને હવામાં જ તોડી પાડવામાં આવ્યા હતા.

એરપોર્ટ પર હુમલાની ઘટના પહેલાં સાઉદી અરેબિયાના શાયબહ ઓઈલ ફિલ્ડ નજીક પણ ડ્રોનનો કાટમાળ પડ્યો હોવાની માહિતી સામે આવી છે. આ ઓઈલ ફિલ્ડ વિશ્વની અગ્રણી તેલ કંપની અરામકો દ્વારા સંચાલિત છે.

વધતા હુમલાઓ અને સુરક્ષાના જોખમને ધ્યાનમાં રાખીને વૉશિંગ્ટનથી અમેરિકાના વિદેશ વિભાગે સાઉદી અરેબિયામાં તૈનાત પોતાના નોન-ઈમરજન્સી સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારોને તાત્કાલિક અમેરિકા પરત ફરવાનો આદેશ આપ્યો છે. વિદેશ મંત્રાલયે આ સાથે ચેતવણી આપી છે કે હુમલાઓનું આ ક્ષેત્ર હવે સાઉદીની સરહદોથી આગળ વધીને વધુ ફેલાઈ શકે છે.