ગુજરાત
કુવાડવા પાસે હિટ એન્ડ રન: અજાણ્યા વાહન ચાલકે બાઇકને ઉલાળતા યુવાનનું મોત
વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે વધુ એક બનાવમાં કુવાડવા નજીક વાંકાનેર રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા શ્રમિક યુવકનું મોત નીપજ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારાના ધ્રુવનગરમાં ખેત મજૂરી અર્થે આવેલા પરિવારનો શૈલેષ રાયસીંગભાઇ માવી નામનો 23 વર્ષનો યુવાન ગઈકાલે પોતાનું બાઈક લઇ કુવાડવાથી વાંકાનેર જતા રોડ ઉપર પસાર થઈ રહ્યો હતો.
ત્યારે અજાણ્યા વાહન ચાલાકે શૈલેષ માવીના બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલક શૈલેષ માવીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં નવાગામમાં આવેલી રંગીલા સોસાયટીમાં રહેતી વજીબેન સુરેશભાઈ ઝાપડિયા નામની 35 વર્ષની પરિણીતા ત્રણ દિવસ પૂર્વે માલીયાસણ ગામે પ્રસંગમાં જતી હતી ત્યારે અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી પરિણીતાએ સારવારમાં દમ દોડતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાસી છૂટેલા વાહન ચાલકોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.