ખાતરની દુકાનમાં કામ પર જતા વૃધ્ધને કાળ ખેંચી જતા પરિવાર શોકમાં ગરકાવ
ચોટીલામા આવેલા મફતીયાપરા વિસ્તારમા રહેતા વૃધ્ધ સાયકલ દોરીને ખાતરની દુકાનમા કામ પર જતા હતા. ત્યારે હાઇવે પર પુરપાટ ઝડપે ધસી આવેલા ટ્રક ચાલકે વૃધ્ધને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામા ઘવાયેલા વૃધ્ધનુ સારવારમા મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલામા આવેલા મફતીયાપરામા વિસ્તારમા રહેતા ધનજીભાઇ લાખાભાઇ ધરજીયા નામનાં 85 વર્ષનાં વૃધ્ધ ગત તા. 17 નાં રોજ સવારનાં આઠેક વાગ્યાનાં અરસામા સાયકલ દોરીને હાઇવે પરથી પસાર થઇ રહયા હતા. ત્યારે માતેલા સાંઢની માફક પુરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા ટ્રક ચાલકે ધનજીભાઇ ધરજીયાને સાયકલ સહીત ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છુટયો હતો હિટ એન્ડ રનની ઘટનામા ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. જયા તેમનુ ટુકી સારવાર દરમ્યાન મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી હતી.
પ્રાથમીક પુછપરછમા મૃતક ધનજીભાઇ ધરજીયા ચાર ભાઇ બે બહેનમા વચેટ હતા. અને તેમને સંતાનમા એક પુત્ર અને બે પુત્રી છે. ધનજીભાઇ સાયકલ દોરીને ખાતરની દુકાનમા કામ પર જતા હતા. ત્યારે ટ્રક ચાલકે હડફેટે લેતા જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે ચોટીલા પોલીસે અકસ્માત સર્જી નાસી છુટેલા ટ્રક ચાલકને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા છે.

