ભાવેશચંદ્ર રોય બાંગ્લાદેશ પૂજા ઉદ્જાપન પરિષદના ઉપપ્રમુખ હતા
બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાં એક અગ્રણી હિન્દુ સમુદાયના નેતાનું કથિત રીતે તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને માર મારવામાં આવ્યો હતો. ડેઈલી સ્ટારે પોલીસ અને પરિવારના સભ્યોને ટાંકીને જણાવ્યું હતું કે, ઢાકાથી લગભગ 330 કિમી ઉત્તર-પશ્ચિમમાં આવેલા દિનાજપુરના બાસુદેવપુર ગામના રહેવાસી ભાવેશ ચંદ્ર રોય (ઉ.વ.58)નું બાઇક પર સવાર શખસો દ્વારા તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની હત્યા કરી તેના મૃતદેહને ઘરે મોકલવામાં આવ્યો હતો.
આ ઘટના અંગે મૃતક ભાવેશની પત્ની શાંતાનાએ જણાવ્યું હતું કે તેમના પતિને સાંજે 4:30 વાગ્યાની આસપાસ ફોન આવ્યો હતો અને તેણે દાવો કર્યો હતો કે ગુનેગારોએ તેમના ઘરે તેમની હાજરીની પુષ્ટિ કરવા માટે કોલ કર્યો હતો.
શાંતાનાએ વધુમાં જણાવ્યું હતું કે, લગભગ 30 મિનિટ પછી, ચાર માણસો બે મોટરસાઇકલ પર આવ્યા અને કથિત રીતે ભાભેશનું તેના ઘરેથી અપહરણ કર્યું હતું. તેને નારબારી ગામમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો. જ્યારે તેને ઘરે પરત મોકલવામાં આવ્યો ત્યારે તે બેભાન હતો અને પરિવારના સભ્યો તેને દિનાજપુરની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, ત્યાં પહોંચતા જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
ભાવેશ ચંદ્ર રોય બાંગ્લાદેશ પૂજા ઉદ્જાપન પરિષદના બિરલ એકમના ઉપ-પ્રમુખ અને વિસ્તારના હિન્દુ સમુદાયના અગ્રણી નેતા હતા. દરમિયાન, ભારતે શુક્રવારે પશ્ચિમ બંગાળમાં હિંસા અંગે બાંગ્લાદેશી અધિકારીઓની ટિપ્પણીઓને નકારી કાઢી હતી અને ઢાકાને ઉપદેશ આપવાને બદલે દેશમાં લઘુમતીઓના અધિકારોની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું.