શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ દૂધસાગર રોડ પર લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં મુસ્લિમ અગ્રણીની હત્યાના ગુનામાં જેલહવાલે રહેલા વસીમ ઉર્ફે ચકો અબ્દુલ ખૈબરની માનવતાની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે.
આ કેસની હકીકત મુજબ શહેરના સામા કાંઠે આવેલા દૂધસાગર રોડ પર દૂધની ડેરી પાસે લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં રહેતા મુસ્લિમ અગ્રણી અને ભાજપ આગેવાન આરીફ ચાવડાની ગત તા.2/8/20ના રોજ છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવ્યાની મૃતકના ભાઈ મુસ્તાક ગુલામ હુસેનભાઇ ચાવડાએ થોરાળા પોલીસ મથકમાં પાડોશી વસીમ ઉર્ફે ચકો અબ્દુલ ખૈબરની, રમીજ ઉર્ફે બાબો ઈકબાલ ખૈબરની, અબ્દુલ ઓસમાણ ખૈબર અને ઈકબાલ ઓસમાણ ખૈબરની સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તમામની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. દરમ્યાન આ કેસના મુખ્ય આરોપી રમીઝ ઉર્ફે બાબો ખૈબરની જામીન ઉપર છુટવા સેશન્સ કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી સફળ થઈ શકેલ ન હતો. ત્યારબાદ ટ્રાયલ દરમ્યાન આરોપી વસીમ ઉર્ફે ચકો ખૈબરની આશરે પાંચ વર્ષથી જેલમાં હોય જેથી પોતાના વૃદ્ધ માતા-પિતા એકલા રહેતા હોય, પત્ની અને બે બાળકો હોય, અન્ય કોઈ કમાનાર વ્યક્તિ ન હોય, બન્ને બાળકોની સ્કૂલ ફી, યુનિફોમ, પુસ્તકો વગેરે માટે નાણાકીય વ્યવસ્થા કરવા માટે વિગેરે કારણોસર માનવતાના ધોરણે 30 દિવસ માટે જામીન ઉપર છૂટવા માટે કરેલી જામીન અરજી એડી. સેશન્સ જજ આઈ.બી. પઠાણએ નામંજુર કરતા જે હુકમ સામે વસીમ ઉર્ફે ચકો અબ્દુલભાઈ ખૈબરે હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા મૂળ ફરીયાદીના વકીલ દ્વારા જામીન અરજી નામંજુર કરવા રજૂઆતો કરવામાં આવેલ હતી જે ધ્યાને લઈ હાઇકોર્ટે માનવતાના ધોરણે 30 દિવસના જામીન મેળવવા માટેની અરજી નામંજુર કરી છે.
આ કેસમાં રાજકોટ સેશન્સ કોર્ટમાં સરકાર તરફે સ્પે. પીપી તુષારભાઇ ગોકાણી, મુળ ફરિયાદીના ધારાશાસ્ત્રી રૂૂપરાજસિંહ પરમાર, અજીતભાઈ પરમાર, હુસૈનભાઈ હેરંજા, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, રવિભાઈ લાલ, જીતભાઈ શાહ, દિપકભાઇ ભાટિયા, અંકિતભાઈ ભટ્ટ, રહિમભાઈ હેરંજા તથા પ્રેમરાજસિંહ પરમાર તેમજ ગુજરાત હાઇકોર્ટમાં વકીલ શ્વેતાબેન લોધા રોકાયા હતા.

