કચેરીમાં બ્લેકઆઉટ અને થર્ડ ડિગ્રી ટોર્ચરના આક્ષેપો બાદ હવે અધિકારીઓ સામે તપાસ થશે શરૂ
ઉપલેટા પંથકમાં રેતી પરિવહન અને સરકારી અધિકારીઓની દાદાગીરીના ચકચારી પ્રકરણમાં ગુજરાત હાઈકોર્ટે ‘સત્યમેવ જયતે’ સમાન ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જસ્ટિસ વિમલ કે. વ્યાસે 13 ફેબ્રુઆરી, 2026ના રોજ આપેલા મહત્વના હુકમમાં ઉપલેટા મામલતદાર અને તેમની ટીમ દ્વારા ટ્રાન્સપોર્ટર રબારી નગાભાઈ જેતાભાઈ વાંદા સામે નોંધાવેલી પોલીસ ફરિયાદને “કાયદાકીય પ્રક્રિયાના દુરુપયોગ” સમાન ગણીને રદ કરી દીધી છે. આ હુકમથી ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે ખોટા કેસનો ભોગ બનેલા નગાભાઈ વાંદાએ હવે મામલતદાર સહિતના જવાબદાર અધિકારીઓ સામે વળતો કાયદાકીય પ્રહાર શરૂૂ કર્યો છે.
આ સમગ્ર વિવાદ 14 જુલાઈ 2025ના રોજ શરૂૂ થયો હતો. ફરિયાદીના આક્ષેપ મુજબ, રોયલ્ટી પાસ સાથે ઉભેલી ટ્રકો પાસે જઈ મામલતદાર નિખિલ મહેતાની ટીમે કાયદેસરની કાર્યવાહીને બદલે ₹25,000ના હપ્તાની માંગણી કરી હતી. જ્યારે નગાભાઈએ લાંચ આપવાનો ઇનકાર કર્યો, ત્યારે અધિકારીઓએ અત્યંત હલકી કક્ષાના જાતિવિષયક અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા.
મામલો અહીં અટક્યો ન હતો; અધિકારીઓએ સત્તાના મદમાં ડ્રાઈવરોનું અપહરણ કરી તેમને ઉપલેટા મામલતદાર કચેરીએ ગોંધી રાખ્યા હતા. ત્યાં મામલતદાર નિખિલ મહેતાએ કચેરી અને બાજુની હોસ્ટેલની લાઈટો જાણીજોઈને બંધ કરાવી દીધી હતી અને આ ‘બ્લેકઆઉટ’ વચ્ચે ડ્રાઈવરોને પ્લાસ્ટિકની પાઈપ તેમજ લાકડીઓ વડે ઢોર માર માર્યો હતો.
પોતાની આ કરતૂતો અને થર્ડ ડિગ્રી ટોર્ચર છુપાવવા માટે નાયબ મામલતદાર મહેશભાઈ કરંગીયાએ ઉલટાનું પીડિતો સામે જ ફરજમાં રૂૂકાવટનો ખોટો ગુનો નોંધાવ્યો હતો. જોકે, હાઈકોર્ટે તેના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 215 મુજબ, જાહેર સેવકની ફરજમાં રૂૂકાવટ માટે મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ કરવી પડે, પોલીસે સીધી FIR નોંધવાની સત્તા નહોતી, જે કાયદાનું ઘોર ઉલ્લંઘન હતું.
હવે આ પ્રકરણમાં પાસા પલટાયા છે.
ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળતા અને જસ્ટિસ એમ. આર. મેંગદેના અન્ય એક આદેશ મુજબ, પોલીસ સુપ્રિટેન્ડેન્ટ રાજકોટે હવે મામલતદાર નિખિલ મહેતા, નાયબ મામલતદાર જીતુભાઈ, મહેશભાઈ અને માર મારનાર ડ્રાઈવર ભગીરથસિંહ વાળા સામેની ફરિયાદની તપાસ કરવી પડશે. મેડિકલ પુરાવા હોવા છતાં સાચી ફરિયાદ ન નોંધનાર અને આરોપીઓને છાવરનાર ઉપલેટાના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના તમામ કસૂરવારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે ટ્રાન્સપોર્ટરે આક્રમક રણનીતિ અપનાવી છે.

