ગુજરાત
નાગરિક બેંકની ચૂંટણીમાં ફોર્મ માન્ય રાખવાની માગણી ફગાવતી હાઇકોર્ટ
કલ્પક મણિયાર પ્રેરિત સંસ્કાર પેનલને કાનૂની ફટકો, ડ્યુઅલ મેમ્બરશિપવાળા સહકાર પેનલના 10 ઉમેદવારોના ફોર્મ ચાલુ રહેશે, સંસ્કાર પેનલના 4 ઉમેદવારોના ફોર્મ અમાન્ય જ રહેશે
રાજકોટ નાગરિક સહકારી બેંકના ડાયરેક્ટરની હાઈવોલ્ટેજ ચૂંટણીમાં આજે સંસ્કાર પેનલ દ્વારા તેમના ઉમેદવારો ગેરલાયક ઠેરવવા સમે કરેલી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ સાથે જ ડ્યુલ મેમ્બરશીપ મામલે સંસ્કાર પેનલ દ્વારા લીધેલા વાંધા પણ હાઈકોર્ટે ફગાવી દીધા છે.
આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે પહેલેથી જ વિવાદમાં રહેલી રાજકોટ નાગરિક સહકારી બેંકના 21 ડાયરેક્ટરોની ચૂંટણીમાં હવે 332 મતદારો પોતાનો મત આપવા માટેનો રસ્તો સાફ થઈ ગયો છે. આગામી રવિવારે યોજાનારી ચૂંટણીમાં કલ્પક મણિયાર પ્રેરિત સંસ્કાર પેનલ દ્વારા 15 ફોર્મ ભરવામાં આવ્યા હતાં. જેની સામે ફોર્મ ચકાસણી સમયે સામેના સંસ્કાર જૂથ દ્વારા વાંધાઓ રજૂ કરાયા હતાં. આ ચૂંટણીના રિટેનીંગ ઓફિસર અને કલેક્ટર રાજકોટ દ્વારા અંતે સંસ્કાર પેનલના કલ્પક મણિયાર સહિત ચાર ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા હતાં. આની સામે કલ્પકભાઈ સહિતનાઓએ હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી અને ડ્યુલ મેમ્બરશીપનો મુદ્દો ઉઠાવ્યો હતો. કલ્પકભાઈ સહિતના ઉમેદવારોએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, જો અમારી જેમ ડ્યુલ મેમ્બરશીપ મામલે ફોર્મ રદ કરવામાં આવે તો સામેની સહકાર પેનલના પણ 10થી વધુ ઉમેદવારો ડ્યુલમેમ્બરશીપ ધરાવે છે. તેમના ફોર્મ પણ રદ કરવા જોઈએ.
હાઈકોર્ટમાં આ સમગ્ર પીટીશનને લઈને નાગરિકબેંક, રાજકોટ કલેક્ટર સહિતના પક્ષકારોના વકીલો હાજર રહ્યા હતાં. હાઈકોર્ટમાં બે કલાકલાંબી ચાલેલી લાંબી સુનાવણીના અંતે ન્યાયધીશ દેવેન દેસાઈએ જણાવ્યું હતું કે, તેઓ અરજી ડીસમીસ કરે છે. આ સાથે જ હાઈકોર્ટે અરજી ફગાવી દીધી છે.
ચૂંટણી પંચમાં પણ ફરિયાદ થતા પ્રતિક ફાળવણી મોડી
રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીના વિવાદમાં સહકાર પેનલના કોઇ ઉમેદવારે ચૂંટણીપંચમાં પણ અરજી કરતા ચૂંટણી કમિશનર દ્વારા જિલ્લા કલેકટર પાસે જવાબ માંગવામાં આવતા સહકાર અને સંસ્કાર પેનલના ચૂંટણી પ્રતિકોની ફાળવણી પણ ઘોંચમાં પડી હોવાનું જાણવા મળે છે. જિલ્લા કલેકટર દ્વારા આ વિવાદો પત્યા બાદ પ્રતિકોની ફાળવણી કરવામાં આવનાર છે. આ ઉપરાંત 28 વર્ષ બાદ બેંકની ચૂંટણી 28 વર્ષ બાદ યોજાતી હોય કોઇ વિવાદ થાય નહીં તે માટે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંગે સ્ટાફને પણ તાલિમ આપવામાં આવી રહી છે. વિવાદો ટાળવા સતત તકેદારી રાખવામાં આવી રહી છે.