અર્થશાસ્ત્રના પ્રશ્ર્ન મામલે ઉમેદવારના 1.23 માર્કસ ઉમેરી પાસ ગણવા હાઇકોર્ટનો નિર્દેશ

સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં અર્થશાસ્ત્રના એક પ્રશ્નના વિવાદનો મામલો હાઇકોર્ટ પહોંચ્યો હતો. જેમાં હાઇકોર્ટે મહિલા ઉમેદવારને રાહત આપી છે અને તેના 1.23 માર્ક્સ ફરી મૂકી…

સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં અર્થશાસ્ત્રના એક પ્રશ્નના વિવાદનો મામલો હાઇકોર્ટ પહોંચ્યો હતો. જેમાં હાઇકોર્ટે મહિલા ઉમેદવારને રાહત આપી છે અને તેના 1.23 માર્ક્સ ફરી મૂકી આપવા(રિસ્ટોર) કરી આપવા નિર્દેશ આપ્યા છે. આ મહિલા અરજદાર સંબંધિત માર્ક્સ ઓછાં થતાં કટ-ઓફમાં ચૂકી ગયા હતા. આ મામલે એવો પ્રશ્ન પણ ઊભો થયો હતો કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર શું ઇકોનોમિકનું એક પુસ્તક છે. હાઇકોર્ટે GPSCને નિર્દેશ આપતાં માત્ર આ કેસના ઉમેદવાર પુરતાં જ માર્ક્સ રિસ્ટોર કરી આપવા નિર્દેશ આપ્યા છે.

હાઈકોર્ટના જસ્ટિસ નિર્ઝર દસાઇએ GPSCને નિર્દેશ આપ્યો છે કે તેઓ ઉમેદવારના કાપી નાખવામાં આવેલા ગુણ પુન:સ્થાપિત કરે અને તેને પસંદગી યાદી અથવા પ્રતીક્ષા યાદી માટે એવી રીતે ધ્યાનમાં લે જાણે કે તેમણે પ્રાથમિક પરીક્ષા પાસ કરી હોય. કમિશનની આન્સર-કી રદ કરતા હાઇકોર્ટે ઠેરવ્યું હતું કે તેનો જવાબ અજાણ્યા ઇન્ટરનેટ સ્ત્રોત પરથી ડાઉનલોડ કરાયેલી બિન-પ્રમાણિત સામગ્રી પર આધારિત હતો. કોર્ટે GPSCની ચાર અઠવાડિયાના સ્ટે માટેની અરજી પણ ફગાવી દીધી હતી.

આ કેસમાં ઉમેદવારે 22મી ડિસેમ્બર, 2024ના રોજ સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટર (વર્ગ-3)ની પ્રાથમિક પરીક્ષા આપી હતી. તેમને પ્રશ્નપત્રની સીરીઝ-બી ફાળવવામાં આવી હતી. તેમણે આર્થિક રીતે નબળા વર્ગ (EWS) શ્રેણીમાં 94.36 ગુણ મેળવ્યા હતા, જ્યારે મુખ્ય પરીક્ષા માટેનું કટ-ઓફ 95.59 હતું.અરજી અનુસાર, પ્રશ્ન ક્રમાંક 147માં બે વિધાનો રજૂ કરાયા હતા. અર્થશાસ્ત્ર સંસ્કૃતમાં લખાયેલું હતું અને તે ઇકોનોમિક્સ વિષયનું પુસ્તક હતું. અંતિમ આન્સર કીમાં માત્ર પ્રથમ વિધાનને જ સાચું ગણવામાં આવ્યું હતું. અરજદારે દલીલ કરી હતી કે બંને વિધાનો સાચાં હતાં અને તેથી વિકલ્પ સી (જેમાં બંને વિધાનો સાચાં હોવાનું પસંદ કરવાનું હતું) સ્વીકારવો જોઈતો હતો.