ગુજરાત
વાવ પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના ફોર્મ રદ કરવાની માગણીથી ગરમાવો
બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં બરાબરનો રાજકીય ખેલ જામ્યો છે. આજે ફોર્મ ચકાસણીના દિવસે અપક્ષ ઉમેદવાર દ્વારા ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના ઉમેદવારોના ફોર્મ રદ કરવા માટે અજી કરવામાં આવતા ભારે ગરમાગરમીનો માહોલ સર્જાયો છે. આજે રજૂ કરેલ વાંધા અરજીમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુત અને ભાજપના સ્વરૂપજી ઠાકોર બન્નેના ફોર્મમાં ભૂલો હોવાથી ફોર્મ રદ કરવા તેવી માંગ કરાઈ છે.
ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા બાદ ખાલી પડેલ બેઠક પર વિધાનસભાની ચૂંટણીમાં 20 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. જેમાંથી અપક્ષ ઉમેદવાર નિરુપા માધુએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ કરવાની માંગ કરતી અરજી કરી છે. નિરુપા માધુએ ભાજપના સ્વરૂપજી ઠાકોરના ફોર્મ રદ કરવાની અરજીમાં જણાવ્યું છે કે, સ્વરૂપજી ઠાકોરે ભરેલ ફોર્મ 26માં રજૂ કરેલ સોગંદનામામાં વાપરેલ સ્ટેમ્પ પેપર પર સ્વરૂપજી ઠાકોરની જગ્યાએ પરમાર સ્વરૂપજી સરદારજી એવુ નામ લખેલ છે. જેથી તેનું ફોર્મ રદ કરવું અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે રજૂ કરેલ સક્ષમ અધિકારીનું મતદાર યાદી પ્રમાણ પત્રમાં પોતે થરાદના મતદાર યાદીમાં હોવા છતાં વાવની મતદાર યાદીમાંથી ફોર્મ ભર્યુ છે. તેવો વાંધો રજૂ કરાયો છે.
ઉપરાંત થરાદ-વાવ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય માવજી પટેલે અપક્ષમાં ફોર્મ ભર્યું હતુ. ત્યારે આજરોજ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ફોર્મની ચકાસણી કરવામાં આવશે. ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ 30મી ઓક્ટોબરે છે.