ગુજરાત
હાર્ટએટેકનો ભરડો: દીકરીના ઘરે આવેલા વૃદ્ધ સહિત 4નો ભોગ લેવાયો
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં હાર્ટ એટેકથી વધુુ 4 લોકોનો ભોગ લેવાયો હતો. કણકોટના પાટીયા પાસે દીકરીના ઘરે આવેલા વૃદ્ધ, રાજલક્ષ્મી સોસાયટીમાં પ્રૌઢ, કોટડાસાંગણી પંથકના આધેડ અને વાવડી ગામે રહેતા યુવાનું મોત નીપજ્તા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
વધુ વિગત મુજબ, નાના મૌવા રોડ પર શ્યામનગર શેરી નં.1માં રહેતા દેવજીભાઇ કરશનભાઇ પરમાર (ઉ.64)નામના વૃદ્ધ કણકોટના પાટીયે પંચરત્ન પાર્કમાં રહેતી તેની દીકરીના ઘરે આટો મારવા ગયા હતા. દરમિયાન આજે સવારે દીકરીના જ ઘરે બેભાન થઇ ઢળી પડતા તેમનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં તેમનું મોત હાર્ટએટેકથી થયાનું ખુલવા પામ્યું છે. આ અંગે તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. મૃતક વૃદ્ધને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં 150 ફૂટ રીંગ રોડ પર સર્ટીંગ હોસ્પિટલ પાસે રાજલક્ષ્મી ડુપ્લેક્ષમાં રહેતા પરેશભાઇ જશવંતભાઇ પંડ્યા (ઉ.51)નામના પ્રૌઢ આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે હાર્ટ એટેક આવતા બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા તેમનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક પરેશભાઇ કર્મકાંડ અને સાડીનો વેપાર કરતા હોવાનું જાણવા મળ્યું છે.
ત્રીજા બનાવમાં મુળ યુપીનો અને હાલ કોટડાસાગંણી તાલુકાના સરસ્વતી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં વિનાયક કંપનીમાં કામ કરતો જગ્નનાથ બુધઇ (ઉ.47) આજે સવારે કારખાનામાં હતો ત્યારે બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે હાર્ટ એટેકથી મોત થયાનું જાહેર ર્ક્યુ હતું. જ્યારે ચોથા બનાવમાં વાવડી ગામે કરણ પાર્કમાં રહેતો મુળ યુપીનો હરીકાંત રામચરન વર્મા (ઉ.28)નામનો યુવાન આજે સવારે મેટોડામાં ભુમી એગ્રો નામના કારખાનામાં કામ કરતો હતો ત્યારે હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું હતું.