સ્વસ્થ યુવા, સશક્ત રાષ્ટ્ર: યોગથી બદલાતું ભારત

આજે ખાસ કરીને યુવાનોના સ્વાસ્થ્યને પાછળ ધકેલવામાં આધુનિક જીવનશૈલી જવાબદાર છે. જેમાં મોડી રાત સુધી મોબાઈલ વાપરવો, સવારે મોડું જાગવું, શહેરોનું પ્રદૂષણ, અનિયમિત ખોરાક, ફાસ્ટ…

આજે ખાસ કરીને યુવાનોના સ્વાસ્થ્યને પાછળ ધકેલવામાં આધુનિક જીવનશૈલી જવાબદાર છે. જેમાં મોડી રાત સુધી મોબાઈલ વાપરવો, સવારે મોડું જાગવું, શહેરોનું પ્રદૂષણ, અનિયમિત ખોરાક, ફાસ્ટ અને જંકફૂડ પર મારો, સતત દોડધામ, ખોટા સ્ટ્રેસ, અપૂરતી નિદ્રા જેવી અનેક ખરાબ આદતોના લીધે માનવશરીર કમજોર અને આળસુ બની જાય છે. કોઈ એકાદ ખરાબ આદતને પહોંચી વળવું આસાન છે, પરંતુ આજે તો આ સ્વાસ્થ્ય સાથે ચેડાં એ જ એક ફેશન બનવા લાગી છે. દર વર્ષે 21 જૂને ઉજવાતો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ માત્ર ઉજવણી જ નહીં, પરંતુ માનવજીવનને મૂળથી જ બદલવાની શક્તિ ધરાવતો વૈશ્વિક દિવસ છે.

આજે સરકાર સ્વાસ્થ્ય માટે ખૂબ જહેમત ઉઠાવી રહી છે. માનનીય વડાપ્રધાન મોદી સાહેબે શેરીએ શેરીએ યોગા ક્લાસ શરૂ કરાવ્યા છે. આરોગ્ય વિભાગ ગમે તે રેસ્ટોરન્ટ પર તપાસ ચલાવી વાસી જથ્થો નાશ કરવામાં લાગી રહી છે. આ બધામાં જો લોકો પોતે જ અ‘જાગૃતિ લાવશે તો જ પોતે પોતાની અને પરિવારની કાળજી લઈ શકશે. ‘આંખ આડા કાન’ કરવાથી આ ગંભીર સમસ્યાનો અંત આવશે જ નહીં. આજે યુવાનો જિમ તરફ જરૂૂર વળ્યા છે, પરંતુ માત્ર બોડી બિલ્ડર દેખાવા માટે. જાતજાતની દવાઓ લઈને મસલ્સ અને એબ્સ બનાવીને શું સાબિત કરવા માગે છે એ જ વિકટ પ્રશ્ન છે. પ્રોટીનના બહાને સ્ટીરોઈડને પેટમાં પધરાવીને યુવાનો પોતાના અંગોને નબળા પાડતા જરાપણ અચકાતા નથી. વાસ્તવમાં જિમમાં જવું એ એક દેખાદેખી કે એક ફેશન નહિં, પણ શારીરિક અને માનસિક તંદુરસ્તી સાથે વણવું જોઈએ.

ઋષિમુનિકાળથી ભારતમાં યોગા અને પ્રાણાયામનું મહત્વ અનેરું સમજાવાયું છે. પ્રાણાયામ મનને સ્વસ્થ રાખે છે અને યોગ શરીરને. યોગથી એકાગ્રતા, શાંતિ અને સ્ફૂર્તિ વધે છે. સૂર્યનમસ્કાર, ધ્યાન કે યોગના અનેક આસનો શરીરને એકદમ તંદુરસ્ત રાખે છે અને મનને સ્થિર રહેતા શીખવે છે. આજે હજુ હજારો સ્ત્રીઓ ઘરે ચાર દિવાલની અંદર જ સમય વિતાવે છે. જે પોતાની નવરાશની પળોમાં પણ સરકાર મફત અને ઘરે ઘરે યોગા ક્લાસીસ ચલાવે છે, છતાં ત્યાં જવું નથી. ગૃહિણીઓમાં આ જાગૃતતા ક્યારે આવશે એ જ એક મહાપ્રશ્ન છે. બહાર જઈને કોઈ કામ ના કરી શકે તો કંઈ નહીં, પણ ઘરની આસપાસ થતા ફ્રી યોગામાં રોજની એક કલાક સમય વિતાવશે તો પણ પોતે આપોઆપ સ્ફૂર્તિ મેળવશે.

મેદસ્વિતા એ એક અતિ ગંભીર રોગ છે, જે હજારો રોગો અને દુખાવાને જન્મ આપે છે. દિવસના ફક્ત એક જ કલાક જો સ્વાસ્થ્ય માટે કાઢીએ તો વર્ષો સુધી તરોતાજા રહી શકીશું. હકીકતે, ડોક્ટર કહે પછી મોટાભાગના માણસો ચાલવાનું પણ પસંદ કરે છે. માર્કેટમાં મળતી સ્ટીરોઈડવાળી દવાઓ પર વિશ્વાસ કરવો છે, પણ જે મફત યોગા કલાસ છે તે તરફ હજુ જાગૃતિ આવતી નથી. આજે માર્કેટમાં હજારો પ્રકારની દવાઓ વજન ઉતારવા માટે ઉપલબ્ધ છે. ગાડરિયા પ્રવાહની જેમ હોંશે હોંશે આવી દવાઓ લઈને શરીરની ચરબી ઓગાળીએ તો છીએ, પણ દવા છોડતા જ કદ બમણું થઈ જાય છે. અને શરીરના મજબૂત અંગો ખવાઈ જાય છે.

ભારતના યુવાનો આજે વિશ્વભરમાં પોતાની સૂઝબૂઝના સહારે આગવી છાપ છોડી રહ્યા છે. ઘણીવાર વધુ પડતા કામ કે પ્રેસરના લીધે સ્ટ્રેસ વધે છે. આવાં સંજોગોમાં યોગ માનસિક મજબૂત બનાવે છે. લાંબાગાળા સુધી મનને પ્રફુલ્લિત બનાવે છે. “પહેલું સુખ તે જાતે નર્યા” કહેવત સાર્થક કરવાનો સમય હવે પાકી ગયો છે. પૈસો ક્યારેય તંદુરસ્તી ખરીદી નહીં શકે. તેમજ યોગા કે કસરત માટે સમય ક્યારેય આવતો નથી એના માટે સમય કાઢવો પડે છે.

અંતે, યોગ એ ભારતની એવી અમૂલ્ય ભેટ છે જે યુવાનોને જીવનની દરેક પરિસ્થિતિમાં મજબૂત બનાવે છે. સરકાર દ્વારા કરાતી પહેલ અને યુવાનોની જાગૃતિ બંને જો જોડાઈ ગઈ તો ભારત ટૂંક સમયમાં વિશ્વનાં સૌથી સ્વસ્થ અને ખુશહાલ દેશોમાં સ્થાન મેળવી શકે છે.