આંતરરાષ્ટ્રીય
ન્યૂયોર્કમાં હેલ્થકેરના CEOની હોટેલ બહાર ગોળી મારી હત્યા
હિલ્ટન હોટેલ બહાર ઊભેલા થોમ્પસનને બાઇકસવાર બુકાનીધારીએ ઠાર માર્યો
યુનાઈટેડ હેલ્થકેરના સીઈઓ બ્રાયન થોમ્પસનની અમેરિકાના ન્યૂયોર્કમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તેને હિલ્ટન હોટલની બહાર ગોળી વાગી હતી, જેના પરિણામે તેનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ, હત્યારો બાઇક પર આવ્યો હતો, તેણે મોઢા પર કાળો માસ્ક પહેર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, 50 વર્ષીય બ્રાયન થોમ્પસન પર તે સમયે હુમલો કરવામાં આવ્યો જ્યારે તે હિલ્ટન હોટલની બહાર ઉભા હતા. હત્યાકાંડ બાદ હોટલ અને આસપાસના એક કિલોમીટરથી વધુના સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી રહી છે.
પ્રાથમિક તપાસમાં ખૂનીની પીઠ પર બેગ લટકેલી હોવાનું બહાર આવ્યું છે. તેની ઉંચાઈ 5 ફૂટથી વધુ હતી. ન્યૂયોર્ક પોલીસના જણાવ્યા અનુસાર, હત્યારાએ બ્રાયનને છાતીમાં ગોળી મારી હતી. ગોળી માર્યા બાદ બ્રાયન જમીન પર પડ્યો હતો.
મળતી માહિતી મુજબ, બ્રાયનને ગંભીર હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરોના જણાવ્યા અનુસાર બ્રાયનને ઘણું લોહી વહી ગયું હતું. તેમની છાતીમાં ગોળી વાગી હોવાને કારણે તેની ઘણી નસો ફાટી ગઈ હતી અને હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, હત્યારાની ઓળખ કરવામાં આવી રહી છે અને સીસીટીવી ફૂટેજ પરથી તેની તપાસ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીના સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે બાદ હત્યારો ઘટનાસ્થળે નજીકની ગલીમાંથી ભાગી ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બ્રાયન થોમ્પસનની કંપની યુનાઈટેડ હેલ્થ ગ્રુપની બુધવારે વાર્ષિક રોકાણકાર કોન્ફરન્સ હતી.