હાર્દિક પંડ્યા ખેલાડી તરીકે હમણાં આઉટ-ઑફ-ફોર્મ છે, તેના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ આ વખતની આઈપીએલના પ્લે-ઑફની રેસની બહાર થઈ ગઈ છે, હાર્દિક અને તેના મોટાભાઈ કૃણાલ પંડ્યા વચ્ચે કંઈક ખટપટ ચાલી રહી છે એવી ચર્ચા છે જે સાચી ન પણ હોય, મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાંથી હાર્દિકને હવે કદાચ જાકારો આપવામાં આવશે એવી પણ અટકળ છે, ત્રણ વર્ષથી હાર્દિકને મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન બનાવાયો છે ત્યારથી રોહિત શર્માના ચાહકો હાર્દિકથી નારાજ છે. આ તમામ મુદ્દાઓ વચ્ચે હાર્દિક પંડ્યાની લોકપ્રિયતા હમણાં ખૂબ ઘટી ગઈ છે. જોકે બીજી બાજુ હાર્દિકનો હમશકલ ક્રિકેટ રસિકોમાં ધૂમ મચાવી રહ્યો છે.
એક વિડીયો પરથી જાણવા મળ્યું છે કે હાર્દિકનો ડુપ્લીકેટ સ્ટેડિયમોમાં, સ્ટેડિયમોની બહાર, મોલ પાસે કે અન્ય ઇવેન્ટ્સમાં ક્રિકેટ પ્રેમીઓ સાથે ફોટા પડાવીને અને વિડીયો માટે ફેવર કરીને (ઓરિજિનલ હાર્દિકની સ્ટાઈલમાં પોઝ આપીને) બધાને ખુશ કરી રહ્યો છે. તમે નહીં માનો પણ તાજેતરમાં વાનખેડે સ્ટેડિયમમાં એક મેચ દરમ્યાન હાર્દિકનો હમશકલ પ્રેક્ષકો વચ્ચે છવાઈ ગયો હતો ત્યારે કેમેરામેને તેના પર ફોકસ રાખતાં સ્ક્રીન પર તેને જોઈને ખૂબ હાર્દિક પંડ્યા પણ હસી પડ્યો હતો. સચિન તેંડુલકર, એમએસ ધોની, વિરાટ કોહલી જેવા દિગ્ગજો પછી હવે હાર્દિક પંડ્યાનો હમશકલ પણ વિવિધ જગ્યાઓએ તેમ જ સોશિયલ મીડિયામાં ફેમસ થઈ રહ્યો છે.
