જ્ઞાનેશકુમાર સરકારના કઠપૂતળી, તેમને હટાવો: કોંગ્રેસ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે મતદાર યાદીની ’સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR ) પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને તાત્કાલિક હટાવવાની માંગ કરી…

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે મતદાર યાદીની ’સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR ) પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને તાત્કાલિક હટાવવાની માંગ કરી હતી. સાથે જ, ચૂંટણી પંચના વડા પર કથિત રીતે “દબાણ” લાવવા બદલ નૈતિક આધાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની પણ માંગ કરી હતી.

કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની મહત્વપૂર્ણ બેઠકને સંબોધતા ખડગેએ કહ્યું કે પક્ષ કુમાર અને સરકાર વિરુદ્ધ પોતાનું અભિયાન તેજ કરશે. તેઓ આ મુદ્દાને લઈને રસ્તા પર ઉતરશે અને સંસદમાં મતદાર યાદી તથા ચૂંટણી પ્રક્રિયામાં રહેલી કથિત અનિયમિતતાઓનો મુદ્દો ઉઠાવશે.

ખડગેએ પાંચ મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી, જેમાં મતદાર યાદીમાં થયેલા ફેરફારોને લગતો તમામ ડેટા જાહેર કરવો, જે મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે તેમને અપીલ કરવાની તક આપવી, અને તમામ રાજકીય પક્ષોને સરળ ફોર્મેટમાં તથા નિર્ધારિત સમયમર્યાદામાં મતદાર યાદી પૂરી પાડવાનો સમાવેશ થાય છે.
તેમણે ગંભીર વિસંગતતાઓ જોવા મળે ત્યાં સ્વતંત્ર અને સમયબદ્ધ તપાસની પણ માંગ કરી હતી. સાથે જ, ચૂંટણી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવવા પર ભાર મૂક્યો હતો જેથી માહિતી છુપાવવામાં આવી રહી હોવાની કોઈ ધારણા ઊભી ન થાય.

ખડગેએ કહ્યું, “બે ચૂંટણી કમિશનરોએ પોતે જ CEC (મુખ્ય ચૂંટણી કમિશનર)ના પગલાંને ’સ્વેચ્છાચારી અને અતાર્કિક’ ગણાવ્યા છે અને હવે સમગ્ર દેશ જાણે છે કે તેઓ સત્તાધારી પક્ષને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, તેમને તેમના પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી અને તેમને તાત્કાલિક હટાવવા જોઈએ.
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે SIR અંગે ચૂંટણી પંચના તાજેતરના પગલાં એ પ્રક્રિયામાં રહેલી ગંભીર ખામીઓનો સ્વીકાર સમાન છે. પક્ષે કહ્યું કે જે મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે અથવા જેમના નામ દૂર થવાનું જોખમ છે, તેમના માટે લેવાયેલા “છૂટાછવાયા” પગલાં “મોટા પાયે મતાધિકારથી વંચિત રાખવાની” સમસ્યાને ઉકેલવામાં ખાસ મદદરૂૂપ થશે નહીં.

જ્ઞાનેશકુમારને સસ્પેન્ડ કરવાની અરજીની સુનાવણી કરવા સુપ્રીમ સંમત: આવતા સપ્તાહે સુચિબધ્ધ થશે અરજી
સુપ્રીમ કોર્ટે મંગળવારે (29 સપ્ટેમ્બર, 2026) એક અરજીને વહેલી સુનાવણી માટે સૂચિબદ્ધ કરવા સંમતિ આપી હતી. આ અરજીમાં ભારતના ચૂંટણી પંચ ના નામે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દ્વારા સત્તાનો એકપક્ષીય ઉપયોગ કરવાના આક્ષેપોને પડકારવામાં આવ્યા છે અને તેમને પદ પરથી સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે.

ચૂંટણી નહીં, મેચ ફિક્સિગં છે: જયરામ રમેશ
કારોબારીની બેઠક બાદ પક્ષના નેતાઓએ પત્રકાર પરીષદમાં સર પ્રક્રીયા રોકવા માગણી કરવા સાથે લોકોને અવાજ ઉઠાવવા હાકલ કરી હતી. પક્ષના નેતા જયરામ રમેશે મતદાર યાદી સુધારણા દ્વારા ચુંટણીને મેચ ફિકિસંગ ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે, આ બાબતે ઇન્ડીયા ગઠબંધનની આવતીકાલે બેઠક યોજાવાની છે.