ગુજરાતના પોલીસવડા તરીકે ચાર્જ સંભાળતા જ્ઞાનેન્દ્રસિંહ મલિક

ગાંધીનગરમાં ગુજરાત પોલીસ તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર થયો છે. 1993 બેચના IPS અધિકારી જી.એસ. મલિકે ગુજરાતના પોલીસ મહાનિદેશક (DGP) તરીકે ચાર્જ સંભાળી લીધો છે. છેલ્લા પાંચ…

ગાંધીનગરમાં ગુજરાત પોલીસ તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર થયો છે. 1993 બેચના IPS અધિકારી જી.એસ. મલિકે ગુજરાતના પોલીસ મહાનિદેશક (DGP) તરીકે ચાર્જ સંભાળી લીધો છે. છેલ્લા પાંચ મહિનાથી DGPનો ચાર્જ ડો. કે.એલ.એન. રાવ પાસે હતો, પરંતુ હવે રાજ્ય પોલીસની કમાન સત્તાવાર રીતે જી.એસ. મલિકને સોંપવામાં આવી છે.

જી.એસ. મલિક રાજ્યના અનુભવી અને વરિષ્ઠ IPS અધિકારીઓમાં સ્થાન ધરાવે છે. તેઓ છેલ્લા 22 મહિનાથી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. 31 જુલાઈ 2023ના રોજ તેમને અમદાવાદના પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાના અનેક પડકારોને સફળતાપૂર્વક સંભાળ્યા હતા.

જી.એસ. મલિકે પોતાની લાંબી પોલીસ કારકિર્દી દરમિયાન ડાંગ, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં SP તરીકે સેવા આપી છે.ે કચ્છ જેવા મહત્વના જિલ્લાઓમાં પણ વિવિધ જવાબદારીઓ નિભાવી છે. તેમની કામગીરીને કારણે તેઓ પોલીસ વિભાગમાં એક સક્ષમ અને અનુભવી અધિકારી તરીકે ઓળખાય છે. તેમણે અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં IG તરીકે પણ ફરજ બજાવી છે. બોર્ડર રેન્જ IG તરીકેની જવાબદારી ઉપરાંત તેઓ પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે ત્રણ વખત નિમાઈ ચૂક્યા છે. કેન્દ્ર સરકારમાં પણ તેઓ પાંચ વર્ષ સુધી ડેપ્યુટેશન પર રહી મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે.

ગૃહવિભાગમાં સચિવ તરીકે પણ તેમણે ફરજ બજાવી છે તેમજ પોલીસ ભરતી બોર્ડના ચેરમે રહી ચુકેલા જી.એસ. મલીકના સમયગાળામાં 24 હજાર પોલીસ કોન્સ્ટેબલની ભરતી પારદર્શક રીતે કરી 10 મહીનાના ઓછા સમયમાં પરીક્ષાના પરિણામો જાહેર થયા હતા. રાજયના પોલીસવડા તરીકે ચાર્જ સંભાળનાર આઇપીએસ જી.એસ. મલીક રાજયમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા જરૂરી પગલા લેશે તેમ તેમણે જણાવ્યું હતું.