ઇઝરાયેલી વિમાનના હાઇજેક ડ્રામામાં ગુજ્જુ મહિલા રિપોટર્સનું દિલધડક રિપોર્ટીંગ

દુબઈ થી તેલ અવીવ જઈ રહેલા ફ્લાય દુબઈની ફ્લાઈટમાં કોકપીટની અંદર જીવલેણ હુમલો થયો.ફિલ્મી વાર્તા જેવા આ દ્રશ્યોમાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરે અસાધારણ સૂઝબૂઝ અને…

દુબઈ થી તેલ અવીવ જઈ રહેલા ફ્લાય દુબઈની ફ્લાઈટમાં કોકપીટની અંદર જીવલેણ હુમલો થયો.ફિલ્મી વાર્તા જેવા આ દ્રશ્યોમાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરે અસાધારણ સૂઝબૂઝ અને બહાદુરીનો પરચો દેખાડ્યો હતો અને 174 મુસાફરોના જીવ બચાવ્યા હતા.આ વાતની ચર્ચા ચોમેર થઈ રહી છે અને એક ગુજરાતી તરીકે બધા ગર્વ લઈ રહ્યા છે ત્યારે ત્યાં એરપોર્ટ ઉપર પણ એક ગુજરાતી યુવતી સહુને ગર્વ થાય તેવી કામગીરી કરી રહી હતી. કટોકટીની એ ક્ષણોમાં નેટવર્ક 18ના સિનિયર એડિટર પ્રીતિ સોમપુરાએ સતત 17 કલાક લાઈવ રિપોર્ટિંગ કરીને દુનિયા સુધી આ ઘટનાની માહિતી પહોંચાડી હતી.

જ્યારે આ ઘટના બની ત્યારે પ્રીતિ સોમપુરા ઇતિહાદ એરલાઇન્સ ની ફ્લાઈટમાં ઇઝરાયેલ ના પાટનગર તેલ અવિવ જઈ રહ્યા હતા. તેઓ જ્યારે ફ્લાઇટમાં હતા ત્યારે જ ફ્લાય દુબઈની ફ્લાઈટમાં કંઈક મોટી ગડબડ થઈ હોવાના સમાચાર મળી ચૂક્યા હતા. પોતાની ફ્લાઈટમાંથી એરપોર્ટ ઉપર ઉતર્યા ત્યારે આખી ઘટના તેમની સામે આવી ચૂકી હતી અને તેમને એરપોર્ટ પરથી જ લાઈવ કરવાનું શરૂૂ કર્યું. પ્રીતિ સોમપુરાએ ગુજરાત મિરર ને આપેલા એક એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ માં તેઓએ જણાવ્યું કે જ્યારે આ ઘટના ની જાણ થઈ ત્યારે આખી ઘટનાનો એક ચિતાર આપવા માટે નેટવર્ક 18ની તમામ ચેનલો ઉપર ઇઝરાયેલના એરપોર્ટ પરથી મારું લાઈવ શરૂૂ થઈ ચૂક્યું હતું. કારણ કે ઘટના બહુ મોટી હતી. ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા 174 મુસાફરોના પરિવારના સભ્યો પણ એરપોર્ટ ઉપર આવવાનું શરૂૂ થઈ જતા તેમના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ લાવ કરવાનો મોકો મળ્યો.વધુમાં તેઓએ જણાવ્યું કે જ્યારે તમે ચૂંટણી પૂર્વેના અને યુદ્ધના કવરેજ માટે કોઈ બીજા દેશમાં ઉતરો છો, ત્યારે આગામી થોડા કલાકોમાં શું બનવાનું છે તેની તમને ક્યારેય ખબર હોતી નથી.હું ઇઝરાયેલ પહોંચી અને લગભગ તરત જ મને દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાય દુબઈની એક ફ્લાઇટ સાથે જોડાયેલા આતંકી એલર્ટ વિશે જાણવા મળ્યું.

ફક્ત 3 કલાકની ઊંઘ અને સતત 17 કલાક લાઈવ રિપોર્ટિંગ કર્યું ત્યારે ફ્લાઇટ સામે ઊભા થયેલા આતંકી ખતરા અંગેની એક એક્સક્લુઝિવ સ્ટોરી અમારી સામે આવી.સૌથી ભાવનાત્મક ક્ષણ ત્યારે આવી, જ્યારે ફ્લાઇટમાં સવાર તમામ 174 મુસાફરો સુરક્ષિત રીતે ઇઝરાયેલ પરત ફર્યા. આ સમગ્ર ઘટનામાં ગર્વ અનુભવવાનું એક કારણ એ પણ હતું કે આ સમગ્ર ઘટનાના કેન્દ્રમાં એક ભારતીય અને ગુજરાતી પાઈલટ હતા.કોકપિટની અંદર રહીને તેણે મુસાફરોને સુરક્ષિત રીતે પરત લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ ક્ષણે મને ફરી એકવાર પત્રકારત્વની સાચી કિંમતનો અહેસાસ થયો. જ્યારે તમે કોઈ સ્ટોરીનો નિર્ભયતાથી પીછો કરો છો, ત્યારે તમે માત્ર ઇતિહાસને રિપોર્ટ નથી કરતા; પરંતુ તમે માનવજીવનની સાચી કિંમતને ખૂબ નજીકથી અનુભવતા હોવ છો.

પ્રીતિ સોમપુરા જણાવે છે કે જ્યારે ઇઝરાયેલ એરપોર્ટ ઉપર સહી સલામત ફ્લાઈટ નીચે ઉતરી અને 174 યાત્રીઓ સહી સલામત બહાર આવ્યા ત્યારે તેમના ચહેરા ઉપર અને તેમના સ્વજનોના ચહેરા ઉપર જે ખુશી જોવા મળી હતી તેનું શબ્દમાં વર્ણન કરવું મુશ્કેલ છે. એક ભારતીય પાયલોટએ કેવી રીતે બધાની જાન બચાવી અને પ્લેનને પણ સેફ લેન્ડિંગ કરાવ્યું તેની ખુશી તેમના ચહેરા ઉપર પણ છલકાતી હતી. તેમના કહેવા મુજબ આ રિપોર્ટ ની સાથે સાથે તેઓ ઇઝરાયેલમાં વોર રિપોર્ટિંગ કરવા જઈ રહ્યા છે.તેઓ એ જણાવ્યું કે હજુ હું 10 થી 15 દિવસ ઇઝરાયેલમાં રિપોર્ટિંગ કરવાન છું. પરંતુ ઇઝરાયેલમાં પગ મુકતા ની સાથે જ આ ઘટનાનું રિપોર્ટિંગ કરવાનો એક મોકો મળ્યો તેને તેની જિંદગીનો એક યાદગાર અનુભવ જણાવે છે.

તેમની ડીક્ષનરીમાં ડર શબ્દને કોઈ સ્થાન નથી
અગાઉ પણ અફઘાન, પાકિસ્તાન અને સોમાલીયામાં રિપોર્ટિંગ કરી ચૂકેલ પ્રીતિ સોમપુરાની ડીક્ષનરીમાં ડર શબ્દને કોઈ સ્થાન નથી.તેમનો પરિવાર મૂળ કચ્છનો છે. પરંતુ પ્રીતિ સોમપુરા નો જન્મ અને ઉછેર મુંબઈમાં જ થયો છે અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પ્રીતિ સોમપુરા અનેક વોર રિપોર્ટિંગ કરી ચૂક્યા છે. આ પહેલા તેવો અફઘાન વોર પણ કવર કરી ચૂક્યા છે અને એક સમયે સોમાલીયામાં તેઓ રિપોર્ટિંગ કરવા ગયા હતા ત્યારે ચાંચિયાઓ દ્વારા તેનું અપહરણ કરવાની યોજનામાંથી ઈશ્વર કૃપાએ બચી ગયા હતા. તેઓ અનેક દેશમાં જઈને પ્રવાસ કરી ચૂક્યા છે જેમાં પાકિસ્તાનમાં પણ તેઓ જઈને રિપોર્ટિંગ કરી આવ્યા છે.