ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો (નેશનલ હાઈવે)ની સ્થિતિ દિન-પ્રતિદિન વધુ જર્જરિત અને ખખડધજ બની રહી છે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા અધિકૃત આંકડા અનુસાર, દેશભરમાં નેશનલ હાઈવેના સૌથી વધુ કિલોમીટર લંબાઈના ખરાબ રસ્તા ધરાવતા રાજ્યોની યાદીમાં ગુજરાત પ્રથમ ક્રમે (અવ્વલ) આવ્યું છે.
વાહનચાલકો પાસેથી કરોડો રૂૂપિયાનો ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હોવા છતાં, હાઈવે પર મુસાફરી આરામદાયક બનવાને બદલે અત્યંત કષ્ટદાયક સાબિત થઈ રહી છે. કેન્દ્ર સરકારના આંકડા મુજબ, વર્ષ 2025-26 દરમિયાન ગુજરાતમાં 408 કિલોમીટર લંબાઈના નેશનલ હાઈવે અત્યંત ખરાબ અને જર્જરિત હાલતમાં પહોંચી ગયા છે. રસ્તાઓ પર ઠેર-ઠેર પડેલા મોટા ગાબડાં, બેસી ગયેલા રસ્તાઓ અને ખરાબ ડામરકામને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અકસ્માતોનું જોખમ વધવાની સાથે વાહનોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે.
ગુજરાતમાં સમારકામની જરૂૂર હોય તેવા નેશનલ હાઈવેની લંબાઈ દર વર્ષે સતત વધી રહી છે. 2023-24માં 32 કિ.મી, 2024-25માં 210 કિ.મી. અને 2025-26માં 408 કિ.મીનો સમાવેશ થાય છે. માત્ર બે જ વર્ષના ગાળામાં ખરાબ રસ્તાઓની લંબાઈ 32 કિલોમીટરથી વધીને 408 કિલોમીટર સુધી પહોંચી ગઈ છે, જે માર્ગ નિર્માણ અને જાળવણીની ગુણવત્તા સામે મોટા સવાલો ઉભા કરે છે.
આ પરિસ્થિતિ અંગે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે તમામ ક્ષતિગ્રસ્ત હાઈવે વિસ્તારોને વાહનવ્યવહાર માટે સુરક્ષિત બનાવવા તાત્કાલિક રીપેરીંગ અને રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવે છે. રસ્તાની ડિઝાઈન, નિર્માણ, તેમજ ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સના તમામ તબક્કે સમયાંતરે રોડ સેફ્ટી ઓડિટ ફરજિયાત કરવામાં આવ્યું છે. અયોગ્ય સાઈન બોર્ડ, માર્કિંગ કે અંડરપાસમાં રહેલી ખામીઓ દૂર કરવા સમયમર્યાદામાં કામગીરી કરવામાં આવે છે. કરારની શરતોનું પાલન ન કરનાર કે ગુણવત્તા જાળવવામાં નિષ્ફળ જનાર એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો સામે દંડ, કોન્ટ્રાક્ટ રદ કરવા અને બ્લેકલિસ્ટ કરવા જેવા કડક પગલાં ભરવામાં આવે છે.
ગુજરાતની શાખ દાવ ઉપર
એક સમય હતો જ્યારે ગુજરાતના શ્રેષ્ઠ રસ્તાઓ અને ઉત્તમી માળખાકીય સુવિધાઓના દેશભરમાં વખાણ થતાં હતાં. પરંતુ વર્તમાન સ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી રહી છે. કરોડો રૂૂપિયાનો ટોલ ટેક્સ આપવા છતાં પ્રજાને ખરાબ રસ્તાઓનો ભોગ બનવું પડી રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા કાગળ પરની યોજનાઓના બદલે નક્કર કામગીરી થાય તે અત્યંત જરૂૂરી બન્યું છે.
પાંચ વર્ષમાં 20383 કરોડનો ટોલટેક્સ ઉસેડ્યો
ગુજરાતમાં નેશનલ હાઇવે ઓથોરિટી દર વર્ષે કરોડો રૂપિયાનો ટોલટેક્સ ઉસેડી જાય છે. પરંતુ હાઇવેની સુવિધા આપવામાં વામણી પૂરવાર થઇ છે. છેલ્લા પાંચ વર્ષના આંકડા ઉપર નજર કરીએ તો ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પરથી ઓથોરિટીએ રૂા20383 કરોડનો ટોલટેક્સ વસુલ્યો છે.
