સાડા ચાર લાખથી વધુ અપીલ પેન્ડિંગ, જીએસટીના અમલના 9 વર્ષ બાદ પણ ટ્રિબ્યુનલ સંપૂર્ણ કાર્યરત નથી થઇ
દેશમાં જીએસટીનો અમલ શરૂૂ થયે એક દાયકો પૂર્ણ થઈ રહ્યો છે તેમ છતાં હજુ જીએસટીના પોર્ટલ સહિતની ઘણી સુવિધાઓમાં સમસ્યાઓનો નિકાલ આવ્યો નથી ત્યારે દેશમાં જીએસટીના પ્રશ્નોના નિરાકરણ માટે 45 ટ્રિબ્યુનલ શરૂૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તે પૈકીની મોટાભાગની ટ્રિબ્યુનલ ટેકનિકલ કારણોસર કાર્યરત થઈ નથી. તેથી જીએસટી ટ્રિબ્યુનલ હજુ સંપૂર્ણ રીતે કાર્યરત ન હોવા છતાં જીએસટી અપીલ દાખલ કરવાની છેલ્લી તારીખ 30 જૂન, 2026 નક્કી કરવામાં આવતા લાખો કરદાતાઓ ચિંતામાં મૂકાયા છે. જીએસટી અમલમાં આવ્યા બાદ નવ વર્ષ પૂર્ણ થવા આવ્યા હોવા છતાં ટ્રિબ્યુનલનું માળખું હજુ સંપૂર્ણ રીતે ઊભું થઈ શક્યું નથી. ગુજરાતમાં અમદાવાદ અને સુરત ખાતે ટ્રિબ્યુનલ શરૂૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ટ્રિબ્યુનલ કાર્યરત થઈ શકી નથી.
કેન્દ્ર સરકારે દેશમાં 45 જીએસટી ટ્રિબ્યુનલ બેંચની રચના કરી છે અને ટેકનિકલ તથા જ્યુડિશિયલ સભ્યોની નિમણૂક પણ કરી દીધી છે. તેમ છતાં મોટા ભાગના રાજ્યોમાં કાયમી ઓફિસ, સ્ટાફ અને જરૂૂરી માળખાકીય સુવિધાઓના અભાવે ટ્રિબ્યુનલની કામગીરી સંપૂર્ણ રીતે શરૂૂ થઈ શકી નથી. વર્તમાન સમયમાં કરદાતાઓ નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર (NIC) ના પોર્ટલ મારફતે ઓનલાઈન અપીલો દાખલ કરી રહ્યા છે. પરંતુ છેલ્લા આઠ વર્ષમાં પેન્ડિંગ રહેલી અંદાજે સાડા ચાર લાખ અપીલોમાંથી માત્ર 17 હજાર જેટલી અપીલો જ જીએસટી પોર્ટલ પર ટ્રાન્સફર થઈ શકી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ મોટા ભાગના કેસોમાં સેંકડો પાનાંના દસ્તાવેજો હોવાથી ટ્રાન્સફરની પ્રક્રિયા ધીમી બની રહી છે.
ગુજરાતમાં અમદાવાદ અને સુરત ખાતે ટ્રિબ્યુનલ બેંચ શરૂૂ કરાઈ છે, પરંતુ પૂરતી સુવિધાઓના અભાવે અધિકારીઓ અન્ય કચેરીઓમાંથી કામગીરી કરી રહ્યા છે. ઓનલાઈન અપીલોનું નિરીક્ષણ શક્ય બન્યું છે, પરંતુ કેસોના ઝડપી નિકાલ અંગે હજુ અનિશ્ચિતતા છે.કરદાતાઓ માટે સૌથી મોટી ચિંતા આર્થિક બોજની છે. પ્રથમ અપીલ સમયે વિવાદિત કરની રકમના 10 ટકા અને ટ્રિબ્યુનલમાં અપીલ માટે વધુ 10 ટકા રકમ જમા કરાવવી પડે છે. આમ કુલ 20 ટકા રકમ વર્ષો સુધી અટવાઈ રહેવાની શક્યતા રહે છે. ટેક્સ નિષ્ણાતોના મતે ટ્રિબ્યુનલ સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત થાય ત્યાં સુધી કરદાતાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ટેક્સ નિષ્ણાતોવેપારી વર્ગનું માનવું છે કે ટ્રિબ્યુનલ વ્યવસ્થિત રીતે શરૂૂ ન થાય ત્યાં સુધી અપીલની છેલ્લી તારીખ ઓછામાં ઓછી ત્રણથી ચાર મહિના લંબાવવી જોઈએ.
