GSTની આંટીઘૂંટી, ઉંઝા યાર્ડમાં ઇસબગુલનો વેપાર બંધ

એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ ગણાતા મહેસાણા જિલ્લાના ઊંઝા ગંજ બજારમાં જીએસટી (ૠજઝ) ના દરમાં ઊભી થયેલી ભારે મડાગાંઠના કારણે ઇસબગુલનો વેપાર સંપૂર્ણપણે બંધ થઈ…

એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ ગણાતા મહેસાણા જિલ્લાના ઊંઝા ગંજ બજારમાં જીએસટી (ૠજઝ) ના દરમાં ઊભી થયેલી ભારે મડાગાંઠના કારણે ઇસબગુલનો વેપાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. સત્તાવાર વર્તમાન રિપોર્ટ મુજબ, જીએસટી દર અંગે સરકાર દ્વારા યોગ્ય સ્પષ્ટતા ન કરવામાં આવે ત્યાં સુધી વેપારીઓએ ઇસબગુલની હરાજી અને ખરીદ-વેચાણથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે.

મહેસાણા સ્થિત ઊંઝા માર્કેટ યાર્ડ ઇસબગુલ અને જીરાના આંતરરાષ્ટ્રીય વેપારનું મુખ્ય કેન્દ્ર ગણાય છે. અહીં દરરોજ કરોડો રૂૂપિયાનો ઇસબગુલનો કારોબાર દેશ અને વિદેશમાં થાય છે. છેલ્લા 10 દિવસ કરતાં વધુ સમયથી જીએસટી નીતિમાં ઊભી થયેલી ટેકનિકલ ગૂંચવણોને પગલે યાર્ડમાં ઇસબગુલની હરાજી અટકી પડી હતી. સરકાર દ્વારા કોઈ સકારાત્મક ઉકેલ ન આવતા આખરે વેપારીઓએ સામૂહિક રીતે વેપાર ઠપ્પ કરી દીધો છે.

ઊંઝાના ઇસબગુલ વેપારી મંડળ દ્વારા બાળોજ માતાજી મંદિર સંકુલ ખાતે એક ઈમરજન્સી બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં તમામ નાના-મોટા વેપારીઓએ એકસૂરે જીએસટી મુદ્દે કડક વલણ અપનાવ્યું હતું. બેઠકમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે જ્યાં સુધી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જીએસટી દરમાં સંપૂર્ણ પારદર્શકતા અને સ્પષ્ટતા લાવવામાં નહીં આવે, ત્યાં સુધી ઊંઝા માર્કેટ યાર્ડમાં ઇસબગુલનો કોઈ પણ પ્રકારનો વેપાર કરવામાં આવશે નહીં.

આ સમગ્ર વિવાદના મૂળમાં બે રાજ્યો વચ્ચે જીએસટીના દરમાં જોવા મળતી વિસંગતતા છે. પડોશી રાજ્ય રાજસ્થાનમાં ઇસબગુલ પર 5 ટકા જીએસટી વસૂલવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં તે 0 ટકા (કરમુક્ત) ના દાયરામાં આવે છે. બે રાજ્યો વચ્ચેના આ ભિન્ન ટેક્સ માળખાના કારણે વેપારીઓ કાનૂની અને નાણાકીય મુશ્કેલીઓમાં ફસાયા છે. માલની આંતરરાજ્ય હેરફેર અને બિલિંગ વખતે કઈ નીતિ લાગુ કરવી તે અંગે ભારે દ્વિધા સર્જાઈ છે. દરરોજ કરોડો રૂૂપિયાનો વેપાર અટકી જતાં ઊંઝા મંડીને અબજો રૂૂપિયાનું સીધું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

જો આ જીએસટી અસમંજસનો સત્વરે કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે, તો આગામી મોસમમાં ખેડૂતો ઇસબગુલનું વાવેતર જ બંધ કરી દે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વેપારીઓ અને ખેડૂતો બંને સંયુક્ત રીતે નાણા મંત્રાલય સામે સમાન ટેક્સ નીતિની માંગ કરી રહ્યા છે.