ગુજરાત
ગુજરાતમાં રૂા. 52,394 કરોડની GST ચોરી, 3.38 લાખ રજીસ્ટ્રેશન રદ
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની અમલવારી થઈ ત્યારથી અત્યાર સુધી અનેક પ્રકારની ગેરરિતીઓ પકડાય છે. અને વિસંગતતાઓ પણ સામે આવી રહી છે. છાશવારે કરોડોની કર ચોરી ઝડપાઈ રહી છે. કડક નિયમ હોવા છતાં પણ ભેજાબાજો ચોરી કરી રહ્યા છે.
ત્યારે ગુજરાતમાં જીએસટીની અમલવારીથી અત્યાર સુધીમાં અધધધ રૂા. 52,394 કરોડની કરચોરી ઝડપાઈ છે.જ્યારે 13 હજારથી વધુ પર કેસ કરાયા છે. અને લાખો નંબર રદ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં વિતેલા સવા ત્રણ વર્ષ દરમિયાન ૠજઝના 3.38 લાખથી વધુ રજિસ્ટ્રેશન રદ થયા છે. ચાલુ નાણાકીય વર્ષમાં જ એપ્રિલ-જૂન વચ્ચે 50,298 નોંધણીઓ રદ થઈ હતી. રાજ્યસભામાં સરકારે આપેલી માહિતી મુજબ વાર્ષિક ધોરણે જોઈએ તો ગુજરાતમાંથી દર વર્ષે સરેરાશ 95,000-96,000 જેટલા GSTરજિસ્ટ્રેશન કેન્સલ થાય છે.
રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ઓગસ્ટમાં પૂછેલા સવાલના જવાબમાં સરકારે આ માહિતી આપી હતી.આ સિવાય જુલાઈ 2017થી જૂન 2024 વચ્ચે ગુજરાતમાં GSTચોરીના 13,494 કેસ થયા હતા, જેમાં રૂૂ. 52,394 કરોડની ટેક્સ ચોરી પકડાઈ હતી. રાજ્યસભામાં રજૂ થયેલા આંકડા મુજબ એપ્રિલ 2021થી જૂન 2024 દરમિયાન દેશમાં કુલ 48.58 લાખ GSTરજિસ્ટ્રેશન કેન્સલ થયા છે. આમથી ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 7.34 લાખ રજિસ્ટ્રેશન કેન્સલ થયા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં 3.87 લાખ અને કર્ણાટકમાં 3.72 લાખ GSTરજિસ્ટ્રેશન કેન્સલ કરાવવામાં આવ્યા છે. ગુજરાતના આંકડા જોઈએ તો મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા બિઝનેસ સ્ટેટથી વિપરીત ગુજરાતમાં રજિસ્ટ્રેશન રદ થવાનું પ્રમાણ ઘટયું છે. 2021-22માં રાજ્યમાં 99,399 નોંધણીઓ રદ થઈ હતી, તેની સામે 2023-24માં 93,163 રજિસ્ટ્રેશન કેન્સલ થયા હતા.
આ સમયગાળામાં GSTરજિસ્ટ્રેશન રદ થવાના મુખ્ય કારણો અંગે સરકારે જવાબ આપ્યો હતો કે, ધંધો બંધ કરવો અથવા થઈ જવો, માલિકનું મૃત્યુ, રિટર્ન ભરવામાં નિષ્ફ્ળતા, વ્યવસાયનું વિલીનીકરણ, કાયદાની જોગવાઈઓનું પાલન ન થવું, વ્યવસાયના બંધારણમાં ફેરફર, અમાન્ય બેંક એકાઉન્ટ, છેતરપિંડી, ઇરાદાપૂર્વક ખોટું નિવેદન અથવા હકીકતો આપીને નોંધણી થઈ હોય તે માટે રજિસ્ટ્રેશન કેન્સલ થયા છે.