પડતર પ્રશ્ર્નો અને કામના ભારણ સામે ગ્રામસેવકો 2જી ઓકટોબરથી અચોક્કસ મુદ્તની હડતાલ પર

રાજ્યમાં લાંબા સમયથી પડતર માંગણીઓ અને અન્ય સંવર્ગો જેમ કે રેવન્યુ તલાટી, તલાટી-કમ-મંત્રી અને ખેતી મદદનીશ ની કામગીરીનું અનાવશ્યક દબાણ કરવામાં આવતું હોવાના વિરોધમાં ગુજરાત…

રાજ્યમાં લાંબા સમયથી પડતર માંગણીઓ અને અન્ય સંવર્ગો જેમ કે રેવન્યુ તલાટી, તલાટી-કમ-મંત્રી અને ખેતી મદદનીશ ની કામગીરીનું અનાવશ્યક દબાણ કરવામાં આવતું હોવાના વિરોધમાં ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા તબક્કાવાર ગાંધી ચિંધીયા માર્ગે આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. સરકારે આપેલા અલ્ટિમેટમની મુદત પૂર્ણ થવા છતાં કોઈ હકારાત્મક ઉકેલ ન લાવતા મહામંડળે રાજ્ય સરકારને આંદોલનાત્મક કાર્યક્રમોની રૂૂપરેખા સોંપી છે. આ આંદોલનના ભાગરૂૂપે ગોંડલ પ્રાંત કચેરી ખાતે પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

આંદોલનના પ્રથમ તબક્કામાં 08 સપ્ટેમ્બર 2026ના રોજ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 10 સપ્ટેમ્બર 2026ના રોજ જિલ્લા કક્ષાએ આવેદનપત્ર પાઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગામી 14 સપ્ટેમ્બરના રોજ તમામ ગ્રામસેવકો સરકારી વોટ્સએપ ગ્રૂપમાંથી લેફ્ટ થશે, જ્યારે 21 સપ્ટેમ્બરે તમામ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરશે. 25 સપ્ટેમ્બરના રોજ ‘પેન ડાઉન’ (કામગીરી ઠપ્પ) કાર્યક્રમ અપાશે. જો માંગણીઓ નહીં સંતોષાય તો 01 ઓક્ટોબરે તમામ કર્મચારીઓ માસ સી.એલ. પર ઉતરશે અને 02 ઓક્ટોબર 2026 થી અચોક્કસ મુદતની હડતાળ શરૂૂ કરવામાં આવશે.

ગ્રામસેવકોની મુખ્ય માંગણીઓમાં રેવન્યુ તલાટી, પંચાયત તલાટી અને ખેતી મદદનીશના જોબચાર્ટની કામગીરી તેમની પાસે કરાવવાનું દબાણ બંધ કરવાનો સમાવેશ થાય છે. હાલ 8 થી 10 ગામ વચ્ચે એક ગ્રામસેવક કાર્યરત છે, તેની જગ્યાએ 1 થી 2 ગામ વચ્ચે 1 ગ્રામસેવકનું મહેકમ ઊભું કરી નવા સેજાનું પુન:ગઠન કરવાની માંગ છે. આ ઉપરાંત, પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણમાં 4200 નો ગ્રેડ-પે આપવા તથા ટ્રાન્સપોર્ટ અને ખાસ ભથ્થાંમાં વધારો કરવાની રજૂઆત કરાઈ છે.

ઓનલાઈન કામગીરી માટે સ્માર્ટફોન, કમ્પ્યુટર અને ઈન્ટરનેટ સુવિધા અથવા તેનું અલગથી એલાઉન્સ આપવાની પણ માંગ છે. સાથે જ, પ્રમોશનની તકો પુન: શરૂૂ કરવા તથા ગ્રામસેવક સંવર્ગને પંચાયત વિભાગમાંથી કૃષિ વિભાગના વહીવટી માળખામાં સમાવેશ કરવા જણાવાયું છે. મહામંડળે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો સમયસર માંગણીઓનો ઉકેલ નહીં આવે તો કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રે ઊભી થનારી વહીવટી કે ખેડૂતલક્ષી પરિસ્થિતિની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકાર અને સંબંધિત તંત્રની રહેશે.