હાર્દિક પટેલને સરકારની બર્થ ડે ગિફટ, નિકોલમાં નોંધાયેલ કેસ પરત ખેંચાયો

પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા કાર્યકરો માટે રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વર્ષ 2018માં નિકોલ વિસ્તારમાં યોજાયેલા પ્રતિક ઉપવાસ કાર્યક્રમ દરમિયાન નોંધાયેલા…

પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા કાર્યકરો માટે રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વર્ષ 2018માં નિકોલ વિસ્તારમાં યોજાયેલા પ્રતિક ઉપવાસ કાર્યક્રમ દરમિયાન નોંધાયેલા કેસને રાજ્ય સરકારે પરત ખેંચતા ગ્રામ્ય કોર્ટના એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત તમામ પાંચ આરોપીઓને કેસમાંથી ડિસ્ચાર્જ કરવાનો આદેશ આપ્યો છે.ગઇકાલે હાર્દિક પટેલના જન્મદિવસે જ તેની સામેના કેસ પાછા ખેંચાયા હતા.કેસની વિગતો મુજબ ઓગસ્ટ 2018માં પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના ક્ધવીનર તરીકે હાર્દિક પટેલે પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીની માંગ સાથે અમદાવાદના નિકોલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં એક દિવસીય પ્રતિક ઉપવાસનું આયોજન કર્યું હતું. જોકે, આ કાર્યક્રમ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા શહેર પોલીસ તરફથી કોઈ સત્તાવાર મંજૂરી આપવામાં આવી નહોતી.

19 ઓગસ્ટ 2018ના રોજ નિકોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના પીએસઆઈ એસ.વી. પટેલ અને તેમની ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ’દયાવાન ફાર્મ’ ખાતે પહોંચી હતી. પોલીસે દાવો કર્યો હતો કે પાસના કાર્યકરો વગર મંજૂરીએ ઉપવાસ સ્થળ તરફ રેલી સ્વરૂૂપે જવાની તૈયારી કરી રહ્યા હતા. પોલીસ દ્વારા સમજાવટ છતાં કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ત્યારબાદ નિકોલ પોલીસે ગેરકાયદે મંડળી રચવી, પોલીસની ફરજમાં અવરોધ ઉભો કરવો અને કાયદો-વ્યવસ્થાનો ભંગ કરવા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં હાર્દિક પટેલ ઉપરાંત કિરણભાઈ ભગવાનભાઈ પટેલ, ગીતાબેન કિરણભાઈ પટેલ, આશિષકુમાર પ્રવીણભાઈ પટેલ, સંદીપ મનુભાઈ પટેલ અને વિપુલભાઈ નરોત્તમભાઈ પટેલ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.કેસ દરમિયાન સરકારી વકીલ ટી.પી. ચુડાસમાએ ઈિ.ઙ.ઈ ની કલમ 321 હેઠળ કેસ પરત ખેંચવાની અરજી રજૂ કરી હતી. અરજીમાં જણાવાયું હતું કે રાજ્ય સરકારે આ પ્રકારના આંદોલન સંબંધિત કેસો પરત ખેંચવાનો સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે. ઉપરાંત ઘટનામાં કોઈ વ્યક્તિને શારીરિક કે આર્થિક નુકસાન થયું ન હોવાનું અને સામાજિક સૌહાર્દ તેમજ જાહેર શાંતિ જાળવવાના હેતુથી કેસ પાછો ખેંચવો યોગ્ય હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોર્ટે સરકારની અરજી મંજૂર કરીને હાર્દિક પટેલ સહિત તમામ આરોપીઓને કેસમાંથી ડિસ્ચાર્જ કરવાનો આદેશ કર્યો હતો.