દિલ્હીમાં જંતર મંતર ખાતે જેન-ઝી દ્વારા ચાલી રહેલ આંદોલન અચાનક ગુજરાતમાં પણ ઝડપભેર પ્રસરવા લાગતા રાજ્ય સરકાર ચોંકી છે. ગુજરાતમાં છાત્રો સ્વયંભૂ બહાર નીકળી સરકાર સામે અવાજ ઉઠાવવા લાગતા સરકારે સોશિયલ મીડિયા ઉપર વોચ ગોઠવી દીધી છે અને સરકાર વિરોધી પોસ્ટ કરતા લોકોના ખાનગી રિપોર્ટ મંગાવ્યા હોવાનુ જાણવા મળે છે.
દિલ્હીના પ્રખ્યાત જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવાનો પર થયેલા લાઠીચાર્જ અને કથિત દમનના આકરા પ્રત્યાઘાતો હવે ગુજરાત સહિત સમગ્ર દેશમાં જોવા મળી રહ્યા છે. યુવા પેઢી એટલે કે ’જેન-ઝી’ (Gen-Z) અને વિવિધ એક્ટિવિસ્ટો દ્વારા આ ઘટનાના વિરોધમાં સોશિયલ મીડિયા પર મોરચો માંડવામાં આવ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં આ વિરોધના આકરા પડઘા પડી રહ્યા છે ત્યારે આ આંદોલન અને જનરોષને ડામવા માટે રાજ્ય સરકારે ગુજરાત પોલીસ અને સાયબર ક્રાઇમ વિભાગને અત્યંત મહત્વના અને ગોપનીય આદેશો આપ્યા હોવાનું સામે આવ્યું છે.
મળતી વિગતો અનુસાર, રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગાંધીનગરથી તમામ જિલ્લાના પોલીસ અધીક્ષક અને શહેર પોલીસ કમિશનરોને એક વિશેષ સૂચના આપવામાં આવી છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, અને એક્સ (X – અગાઉનું Twitter) જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સરકાર વિરુદ્ધ પોસ્ટ કરનાર, રોષ ઠાલવનાર કે આંદોલનને સમર્થન આપનાર ’જેન-ઝી’ યુવાનો તેમજ એક્ટિવિસ્ટોની યાદી તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં માત્ર વ્યક્તિઓના નામ જ નહીં, પરંતુ તેમણે મૂકેલી પોસ્ટનું ક્ધટેન્ટ અને સ્ક્રીનશોટ સહિતની તમામ વિગતો એકત્રિત કરીને ગૃહ વિભાગને ખાનગી અહેવાલ સોંપવા જણાવાયું છે.
એક સીનિયર આઇપીએસ (IPS) અધિકારીના જણાવ્યા અનુસાર, આ ખાનગી રિપોર્ટમાં કેટલીક સંવેદનશીલ વિગતો પણ મંગાવવામાં આવી છે. સોશિયલ મીડિયા પોસ્ટના આધારે કઇ વ્યક્તિ સામે સાયબર ક્રાઇમ હેઠળ કઇ કલમો મુજબ ગુનો નોંધી શકાય? કયા જિલ્લા કે શહેરમાંથી કેટલા લોકો સામે કાનૂની કાર્યવાહી કરવાથી વિરોધ પ્રદર્શન પર દબાણ ઊભું કરી શકાશે? વિશ્ર્લેષકો અને એક્ટિવિસ્ટોનો આક્ષેપ છે કે સરકાર આ પ્રકારના ખાનગી રિપોર્ટ તૈયાર કરાવીને કાયદાનો દુરુપયોગ કરી શકે છે અને યુવાનોમાં ભયનો માહોલ ઊભો કરીને આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ કરી રહી છે.
પાટીદાર અનામત આંદોલનની યાદ તાજી થઈ
અગાઉ પાટીદાર અનામત આંદોલન સમયે પણ રાજ્ય સરકાર દ્વારા સોશિયલ મીડિયા અને આંદોલનકારીઓ પર નજર રાખવા માટે આ જ પ્રકારની વ્યૂહરચના અપનાવવામાં આવી હતી. તે સમયે પણ આવા જ ગોપનીય રિપોર્ટના આધારે અનેક પ્રદર્શનકારીઓ સામે ગુના નોંધવામાં આવ્યા હતા. હાલમાં સોશિયલ મીડિયા આ આંદોલનનું મુખ્ય કેન્દ્ર બન્યું છે ત્યારે સરકાર દ્વારા સાયબર ક્રાઇમના માધ્યમથી કરવામાં આવી રહેલી આ હિલચાલથી વિરોધ કરી રહેલા યુવાનો અને નાગરિકોમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
