આકરી ગરમી સામે સરકાર એકશનમાં શાળાઓમાં 12 વાગ્યા પછી શિક્ષણબંધ

ગુજરાતમાં અત્યારે આકાશમાંથી જાણે અંગારા વરસી રહ્યા છે અને ગરમીનો પારો 44.8 ડિગ્રી જેવી ભયાનક સપાટીને સ્પર્શી રહ્યો છે ત્યારે રાજ્યના લાખો વિદ્યાર્થીઓના હિતમાં એક…

ગુજરાતમાં અત્યારે આકાશમાંથી જાણે અંગારા વરસી રહ્યા છે અને ગરમીનો પારો 44.8 ડિગ્રી જેવી ભયાનક સપાટીને સ્પર્શી રહ્યો છે ત્યારે રાજ્યના લાખો વિદ્યાર્થીઓના હિતમાં એક નિર્ણાયક કદમ ઉઠાવવામાં આવ્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગે બાળકોને હીટસ્ટ્રોક અને લૂ લાગવાથી બચાવવા માટે લાલ આંખ કરી છે અને તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે કડક આચારસંહિતા જાહેર કરી દીધી છે. આ નવા આદેશો મુજબ હવે રાજ્યની કોઈ પણ શાળા બપોરે 12 વાગ્યા પછી શૈક્ષણિક કાર્ય ચાલુ રાખી શકશે નહીં.

શિક્ષણ વિભાગની નવી માર્ગદર્શિકામાં સ્પષ્ટ જણાવાયું છે કે ગરમીનો પ્રકોપ વધે તે પહેલા એટલે કે મધ્યાહ્ને 12 વાગ્યા સુધીમાં તમામ વિદ્યાર્થીઓને ફરજિયાતપણે રજા આપી ઘરે મોકલી દેવા પડશે. આ ઉપરાંત, કાળઝાળ ગરમીમાં બાળકોને ખુલ્લા મેદાનમાં એકઠા કરવા, પ્રાર્થના સભા યોજવી કે કોઈ પણ પ્રકારની આઉટડોર રમત-ગમતની પ્રવૃત્તિ કરાવવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે. જો કોઈ શાળા આ નિયમોનું ઉલ્લંઘન કરી વિદ્યાર્થીઓને તડકામાં બેસાડશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

ખાસ કરીને પ્રાથમિક વિભાગના નાના બાળકો ગરમીનો શિકાર ન બને તે માટે શાળાઓએ કેમ્પસમાં પૂરતા પ્રમાણમાં ઠંડા અને શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવી પડશે.CBSE, ICSE કે રાજ્ય બોર્ડ સાથે જોડાયેલી તમામ સરકારી અને ખાનગી શાળાઓએ અત્યારે ચાલી રહેલા નવા સત્ર કે પરીક્ષાઓ દરમિયાન આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી સ્વીકારવામાં આવશે નહીં તેવી સ્પષ્ટતા વિભાગ દ્વારા કરવામાં આવી છે. સરકારના આ ત્વરિત અને સંવેદનશીલ નિર્ણયને વાલીઓએ હોંશે હોંશે વધાવી લીધો છે. બપોરના સમયે પ્રચંડ ગરમીમાં બાળકોની હાલત કફોડી થતી હતી, જેમાંથી હવે મુક્તિ મળશે તેવો સંતોષ વાલીઓએ વ્યક્ત કર્યો છે. જિલ્લા સ્તરે તમામ શિક્ષણાધિકારીઓને આ ગાઈડલાઈનનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે મોનિટરિંગ કરવાની સૂચના આપી દેવામાં આવી છે.