Site icon Gujarat Mirror

ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર વિવાદમાં: ચૂંટણી પંચમાં તાત્કાલિક બદલીની માંગ

પાલિકાનાં પૂર્વ હોદ્દેદારો સાથે ₹40.50 લાખની જમીન ખરીદ્યાનો આક્ષેપ; એડવોકેટ યતીશ દેસાઈની પુરાવા સાથે રજૂઆત

ગોંડલ નગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે વહીવટી તંત્રમાં મોટો ખળભળાટ મચી ગયો છે. નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિનભાઈ વ્યાસ સામે ગંભીર આક્ષેપો સાથે જીલ્લા કોંગ્રેસ ઉપાધ્યક્ષ એડવોકેટ યતીશ ગોવિંદભાઈ દેસાઈએ રાજ્ય ચૂંટણી પંચમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં ચીફ ઓફિસરની તાત્કાલિક બદલી કરી તેમને ચૂંટણી પ્રક્રિયાથી દૂર રાખવાની માંગ કરવામાં આવી કરાયો છે.

તેમણે અરજીમાં જણાવ્યું છે કે નગરપાલિકાના ચીફ ઓફિસરના પત્ની પૂર્વીબેન અશ્વિનભાઈ વ્યાસે ગત 16 ફેબ્રુઆરી 2026ના રોજ ભાજપના પૂર્વ પદાધિકારીઓ અશ્વિનભાઈ રૈયાણી અને કૃપાલસિંહ જાડેજા સાથે મળીને અંદાજે ₹40,50,000 ની કિંમતની ખેતીની જમીન સંયુક્ત રીતે ખરીદી છે. શાસક પક્ષના હોદ્દેદારો સાથે અધિકારીના પરિવારના સીધા આર્થિક વ્યવહારો હોવાથી આગામી ચૂંટણીમાં નિષ્પક્ષતા જળવાશે કે કેમ? તેવો ગંભીર સવાલ ઉઠાવવામાં આવ્યો છે.

ચીફ ઓફિસર અશ્વિનભાઈ વ્યાસ છેલ્લા 3 વર્ષથી વધુ સમયથી એક જ સ્થાને ફરજ બજાવે છે. આ ઉપરાંત, તેમની સામે ભૂતકાળમાં હાઈકોર્ટમાં ખોટું સોગંદનામું કરવા બદલ રાજ્ય સરકાર દ્વારા કારણ દર્શક નોટિસ પણ અપાયેલી છે. સુરતના એક કોન્ટ્રાક્ટરને માર મારવાના કિસ્સામાં પણ તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાયેલી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે.

અરજદારે ’ડોક્ટ્રીન ઓફ બાયસ’ (પક્ષપાતનો સિદ્ધાંત) અને ગુજરાત સિવિલ સર્વિસીસ કંડક્ટ રૂૂલ્સનો હવાલો આપી માંગ કરી છે કે, વિવાદિત અધિકારીની તાત્કાલિક બદલી કરી તેમના નાણાકીય સ્ત્રોતની તપાસ કરવામાં આવે. આ અરજીની નકલ કમિશનર (મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન), પ્રાદેશિક કમિશનર અને જિલ્લા કલેક્ટરને પણ પુરાવાઓ સાથે રવાના કરવામાં આવી છે.

Exit mobile version