Site icon Gujarat Mirror

નવા વર્ષમાં સોનું-ચાંદી ફરી વધ્યા, ચાંદી 6500 અને સોનામાં રૂા.1050નો વધારો

રાજકોટમાં સોનું 1,38,700 અને ચાંદીનો ભાવ 2,47,200 સુધી પહોંચ્યો

નવા વર્ષમાં પ્રથમ દિવસે સોના-ચાંદીમાં આંશિક ઘટાડા બાદ સોના-ચાંદીમાં ફરી પોઝીટીવ સંકેત જોવા મળ્યા હતા અને સોનામાં 1050 રૂા.નો વધારો જોવા મળ્યો હતો. જયારે ચાંદીમાં પણ રૂા.6350નો વધારો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ચીન દ્વારા નિકાસ પર નિયમો આકરા કરવામાં આવ્યા બાદ ગઇકાલે ચાંદીમાં સાવચેતીનો સુર જોવા મળ્યો હતો. પરંતુ આજે ફરી એક વખત બન્ને ધાતુમાં ચમક જોવા મળી હતી. ભારતમાં ચાંદીના દાગીનામાં ઘટાડો નોંધાયો છે. પરંતુ રોકાણકારો ચાંદી તરફ વળ્યા છે ત્યારે ચાંદીના ભાવમાં પણ બેકાબુ તેજી જોવા મળી હતી. 2025ના વર્ષમાં તો ચાંદી 170 ટકા વધી હતી. તેના પગલે હવે 2026માં પણ ચાંદીમાં આજે ચમક જોવા મળી હતી.

આજે એમસીએકસમાં ચાંદીનો ભાવ 2,42,240 રૂા. અને સોનાનો ભાવ 1,36,780 પર પહોંચ્યો છે. આજે સોનામાં રૂા.1050 અને ચાંદીમાં 6350 રૂા.નો વધારો નોંધાયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 4376 ડોલર અને ચાંદી 73.50 ડોલર સુધી પહોંચી છે. રાજકોટના હાજર ભાવ જાણીએ તો સોનુ 138625 રૂા. અને અમદાવાદમાં સોનાનો ભાવ 138700 રૂા. જોવા મળી રહ્યો છે. જયારે ચાંદીનો હાજર ભાવ 247200 સુધી પહોંચ્યો છે.

 

શેરબજારમાં તેજી: નિફ્ટી 26250ને પાર
સોના-ચાંદીમાં ભાવ વધારો નોંધાયા બાદ આજે શેર બજારમાં પણ તેજી જોવા મળી હતી અને નીફટી 26250ને પાર થયો હતો. નીફટીના 50 શેરમાંથી 35 શેરમાં તેજી જોવા મળી છે. આજે માર્કેટ ખુલતા જ સેન્સેકસ 350 પોઇન્ટ વધીને 85540 પર પહોંચ્યો છે. જયારે નીફટી 104 પોઇન્ટ વધીને 26250 પર પહોંચી છે. બેંક નીફટી 325 પોઇન્ટ અને મીડકેપ નીફટી 265 પોઇન્ટ વધી છે. આજે મેટલ, ઓટો તેમજ ફાયનાન્સીયલ સેકટરમાં પણ તેજી જોવા મળી છે.

ઓટો કંપનીના તમામ વાહનોમાં ડીસેમ્બરમાં મોટુ વેચાણ થતા ઓટો કંપનીના શેરોમાં તેજી જોવ મળી હતી. આજે હીરો મોટોકોર્પ, આઇશર, બજાર ઓટો સહીતના શેરોમાં તેજી જોવા મળી હતી. અદાણી જુથના શેરોમાં પણ વધારો જોવા મળ્યો હતો. ઉપરાંત રિલાયન્સ, ડો.રેડ્ડીઝના શેરોમાં પણ વધારો જોવા મળ્યો છે.

Exit mobile version