દશેરાએ બહુચરાજી માતાને 300 કરોડના નવલખા હારનો શણગાર

બહુચરાજી શક્તિપીઠે દશેરા પર્વે માતાજીને 300 કરોડથી વધુનો ’નવલખો હાર’ પહેરાવાયો હતો. 1839માં વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડે આ અમૂલ્ય હાર ભેટ આપ્યો હતો. આ પ્રસંગે…

બહુચરાજી શક્તિપીઠે દશેરા પર્વે માતાજીને 300 કરોડથી વધુનો ’નવલખો હાર’ પહેરાવાયો હતો. 1839માં વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડે આ અમૂલ્ય હાર ભેટ આપ્યો હતો.
આ પ્રસંગે પોલીસ ગાર્ડ ઓફ ઓનર અને શાસ્ત્રોક્ત પાલખી યાત્રા નીકળી હતી. વર્ષમાં બે જ વખત સ્ટ્રોંગ રૂૂમમાંથી બહાર આવતો આ હાર દર્શન માટે હજારો ભક્તો ઉમટ્યા હતા.

પ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી ખાતે દશેરાના પાવન અવસરે માતાજીને અત્યંત મૂલ્યવાન ’નવલખો હાર’ પહેરાવવામાં આવ્યો હતો. આ વિશેષ પ્રસંગે પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું તથા ગાયકવાડ સરકારની પ્રાચીન પરંપરા મુજબ મુખ્ય મંદિરથી સમી વૃક્ષ સુધી ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડે પાઠાનો રોગ (હર્નીયા) મટ્યા બાદ ઈ.સ. 1839માં આ હાર માતાજીને ભેટ ધર્યો હતો. તે સમયે આ હારનું મૂલ્ય નવ લાખ રૂૂપિયા હતું, જે આજે વધીને 300 કરોડ રૂૂપિયાથી વધુ થઈ ગયું છે. આ હારમાં લીલા, વાદળી અને સફેદ નીલમ જડેલા છે, જેની અનોખી ચમક અને કરોડોનું મૂલ્ય હોવાના કારણે તે ગુજરાતના મંદિરોમાં પ્રાપ્ત સૌથી મોંઘી ભેટ ગણાય છે. ચાર બુરજ અને ત્રણ વિશાળ દ્વાર ધરાવતા આ ભવ્ય કિલ્લાવાળા મંદિરનું નિર્માણ પણ 1783માં માનાજીરાવ ગાયકવાડે જ કરાવ્યું હતું. આ ઉપરાંત, બહુચરાજી નજીક આવેલા 5200 વર્ષ જૂના શંખલપુર ગામે પણ માતાજીનું મુખ્ય સ્થાનક આવેલું છે, જે લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું મોટું કેન્દ્ર છે.

આ અદ્ભુત હાર અને અન્ય કિંમતી આભૂષણોની સુરક્ષા માટે તેને વર્ષ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂૂમમાં રાખવામાં આવે છે. આ હાર વર્ષમાં માત્ર બે વખત (દશેરા અને બેસતા વર્ષે) ત્રણ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં અને કડક સુરક્ષા સાથે બહાર કાઢીને માતાજીને શણગારવામાં આવે છે. દશેરાના દિવસે નવલખો હાર દર્શન, પોલીસ દ્વારા અપાતું ગાર્ડ ઓફ ઓનર અને ભવ્ય પાલખી યાત્રામાં સામેલ થવું એ હજારો શ્રદ્ધાળુઓ માટે અવિસ્મરણીય અને અલૌકિક અનુભવ બની રહે છે. કિંમતી આભૂષણો અને ઐતિહાસિક વિરાસતને કારણે બહુચરાજી મંદિરની કુલ સંપત્તિ કરોડો રૂૂપિયાને પાર કરે છે.