ગુજરાત

ખ્યાતિકાંડમાં સંડોવાયેલા ડો. વઝીરાણીનું લાઈસન્સ 3 વર્ષ માટે રદ કરતી GMC

Published

on


અમદાવાદમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના ખોટા ઓપરેશન કરી મોતને ઘાટ ઉતારી દેનારા ડોક્ટર પ્રશાંત વઝીરાણી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને ડોક્ટર પ્રશાંત વઝીરાણી કસ્ટડીમાં છે. આ વચ્ચે ગુજરાત મેડિકલ કાઉન્સિલે ડોક્ટર પ્રશાંત વઝીરાણી સામે મોટી કાર્યવાહી કરી 3 વર્ષ માટે લાયસન્સ રદ કર્યુ છે.


ખ્યાતિ હોસ્પિટલ દ્વારા PMJAY યોજનામાંથી પૈસા પડાવી લેવાની લાલચમાં ગામડાઓમાં કેમ્પ કરી દર્દીઓના ખોટા ઓપરેશન કરવામાં આવતા હતા. જે દર્દીઓ હોસ્પિટલમાં આવતા હતા તેના ખોટા ઓપરેશન કરવાનું કામ ડોક્ટર પ્રશાંત વઝીરાણી દ્વારા કરવામાં આવતું હતું. જેમાં ઘણા દર્દીઓના મોત પણ થયા છે. આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ રાજ્ય સરકારે પણ તપાસના આદેશ આપ્યા હતા. આ કેસની તપાસ હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે.


ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ડોક્ટર પ્રશાંત વઝીરાણીનું લાયસન્સ ત્રણ વર્ષ માટે રદ્દ કરી દેવામાં આવ્યું છે. ખ્યાતિ કાંડ બાદ ગુજરાત મેડિકલ કાઉન્સિલે સૌથી મોટી કાર્યવાહી કરી છે. ડોક્ટર પ્રશાંત વઝીરાણીનું MBBS, MS, DNB નું લાયસન્સ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. એટલે કે પ્રશાંત વઝીરાણી હવે પોતાની પ્રેક્ટિસ કરી શકશે નહીં.


આરોપીઓએ ખોટી રીતે સરકારી યોજનાનો લાભ લેવા ષડયંત્ર રચ્યું હોવાના આરોપ સાથે ખ્યાતિ હોસ્પિટલના ટ્રસ્ટી, સંચાલક અને ડોકટર સહિત 5 લોકો સામે નામજોગ ફરિયાદ કરાઈ છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, સર્જન ડો.સંજય પટોલિયા, ડિરેક્ટર ચિરાગ રાજપૂત, કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર પ્રશાંત વજીરાણી સહિત રાજશ્રી પ્રદીપ કોઠારી સામે પણ ફરિયાદ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધી પ્રશાંત વઝીરાણી સહિત કુલ છ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version