સામાન્ય પ્રવાહમાં દીકરીઓનું પરિણામ 5.31 ટકા ઉંચુ, વિજ્ઞાન પ્રવાહમાં આંશિક સરસાઇ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વિજ્ઞાન પ્રવાહનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ જાહેર થયું છે. આ વર્ષના પરિણામોમાં ફરી એકવાર વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું છે. જેમાં ઘણી શાળાઓએ સારો દેખાવ કર્યો છે. બોર્ડની આ પરીક્ષામાં રાજ્યના વિવિધ કેન્દ્રો અને જિલ્લાઓ વચ્ચે પરિણામની ટકાવારીમાં મોટો તફાવત પણ જોવા મળ્યો છે. જયારે ધો.12 સાયન્સમાં પણ દીકરાઓ કરતા દીકરીઓનું પરિણામ ઉંચુ જોવા મળ્યું છે.
સામાન્ય પ્રવાહના પરિણામની વિગતવાર વાત કરીએ તો, આ વર્ષે વિદ્યાર્થીઓનું કુલ પરિણામ 90.10% નોંધાયું છે, જેની સામે વિદ્યાર્થિનીઓનું પરિણામ 95.41% રહ્યું છે. વિદ્યાર્થિનીઓનું પરિણામ વિદ્યાર્થીઓ કરતા 5.31% વધારે આવ્યું છે. રાજ્યમાં તડાવ, કોટડા, કાંગવાઇ અને પ્રશ્નાવાડા એમ ચાર કેન્દ્રોએ 100 ટકા પરિણામ મેળવીને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે કારઠ કેન્દ્ર 64.88% પરિણામ સાથે સૌથી નીચે રહ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીનીઓનું પરિણામ 84.65 ટકા તો વિદ્યાર્થીઓનું રીઝલ્ટ 84.04 ટકા પરિણામ નોંધાયું છે.
જિલ્લાવાર પરિણામમાં આહવા-ડાંગ જિલ્લો 97.88% સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે અમદાવાદ શહેરનું પરિણામ સૌથી ઓછું 87.10% નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય પ્રવાહની કુલ 2030 શાળાઓએ 100% પરિણામ મેળવવાની સિદ્ધિ હાંસલ કરી છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પણ વિદ્યાર્થીઓના સારા આંકડા સામે આવ્યા છે. વિજ્ઞાન પ્રવાહમાં કુંભારીયા કેન્દ્ર 98.62% પરિણામ સાથે રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે, જ્યારે દાહોદ જિલ્લાનું લીમડી કેન્દ્ર 42.98% સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર રહ્યું છે.
રાજ્યની 2000થી વધુ શાળામાં 100 ટકા પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 12ના તમામ પ્રવાહનું રીઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાં મહત્વની વાત એ છે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સો ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 2000થી વધુ છેે. વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં 100% પરિણામ ધરાવતી 209 શાળાઓ જોવા મળી છે. વર્ષ 2025 ની સરખામણી કરવામાં આવે તો સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની શાળા કે જેને સો ટકા પરિણામ મેળવવી હોય તે આંકડો વધ્યો છે.
35 શાળામાં સાયન્સ-કોમર્સમાં 10%થી ઓછું પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે તેમાં ધોરણ 12 ના તમામ પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે સાયન્સ અને કોમર્સમાં 10% થી ઓછું પરિણામ ધરાવતી 35 શાળા ઓળખવામાં આવી છે. વાત કરવામાં આવે તો ધો. 12 સામાન્ય પ્રવાહમાં 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 13 છે. જે ગત વર્ષે 21 હતી. તો બીજી તરફ વિજ્ઞાન પ્રવાહમાં ચાલુ વર્ષે 10 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 22 છે. જ્યારે ગત વર્ષે 34 હતી.
