જસદણના જશાપર ગામે ફોન કરવા બાબતે યુવતીના પિતા-બહેન ઉપર હુમલો

જસદણ તાલુકાના જુના જશાપર ગામે માત્ર એક સામાન્ય ફોન કોલના વિવાદમાં પડોશી પરિવારે એકસંપ થઈ અન્ય પરિવાર પર હુમલો કરી દીધો હતો. તેમજ યુવતી ઉપર…

જસદણ તાલુકાના જુના જશાપર ગામે માત્ર એક સામાન્ય ફોન કોલના વિવાદમાં પડોશી પરિવારે એકસંપ થઈ અન્ય પરિવાર પર હુમલો કરી દીધો હતો. તેમજ યુવતી ઉપર નિર્લજ હુમલો કરતા આ મામલે એક જ પરિવારના ચાર સભ્યો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જશાપર ગામે મોડી રાત્રે બનેલી આ ઘટના અંગે 19 વર્ષીય ભોગ બનનાર યુવતી આનંદીબેન ખોડાભાઈ દાફડાએ આટકોટ પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે પડોશમાં રહેતા મયુરભાઈ રમેશભાઈ પરમાર, નીધીબેન મયુરભાઈ પરમાર , રમેશભાઈ રાજાભાઈ પરમાર અને સવિતાબેન રમેશભાઈ પરમારનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર આનંદીબેન કે.ડી.પી. હોસ્પિટલ આટકોટ ખાતે ખાનગી નોકરી કરે છે.

આનંદીબેનના મોબાઈલ પર પડોશમાં જ રહેતા મયુર રમેશભાઈ પરમારની પત્ની નિધિબેનના નંબર પરથી ત્રણ વોટ્સએપ કોલ આવ્યા હતા. યુવતી ઘરકામમાં વ્યસ્ત હોવાથી તે સમયે ફોન ઉપાડી શકી નહોતી. ત્યારબાદ સાડા આઠ વાગ્યાના સુમારે આનંદીબેને સામેથી ફોન કોલ કરતા નિધિબેનના પતિ મયુરે ફોન ઉપાડી ક્રોધાવેશમાં આવી જઈ યુવતી પ્રત્યે અત્યંત અશોભનીય, બિભત્સ અને અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. આ ગાળાગાળીનો અવાજ સાંભળીને યુવતીના પિતા ખોડાભાઈ પ્રેમજીભાઈ દાફડા પડોશમાં રહેતા મયુરને સમજાવવા માટે ઘરની બહાર શેરીમાં ગયા હતા.

પરંતુ પિતાની આ સમજાવટથી ઉશ્કેરાઈને આરોપી મયુર રમેશભાઈ પરમાર, તેના પિતા રમેશભાઈ રાજાભાઈ પરમાર અને માતા સવિતાબેન પરમારે એકસંપ થઈ ખોડાભાઈ પર હિંસક હુમલો કરી દીધો હતો અને તેમને બેરહેમપણે ઢીકાપાટુનો મૂઢ માર મારવા લાગ્યા હતા. પિતાને બચાવવા માટે જ્યારે આનંદીબેન અને તેમના પરિવારજનો વચમાં પડ્યા, ત્યારે આરોપી મયુરે નિર્લજ્જતાની હદ પાર કરીને ફરિયાદી યુવતીનું બાવડું પકડી પોતાના ઘર તરફ ખેંચી ગયો હતો. ત્યાં આરોપી મયુર તથા તેની પત્ની નિધિબેન ફરિયાદી પર તૂટી પડ્યા હતા અને યુવતીના વાળ પકડીને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

ભોગ બનનાર પરિવાર પોતાનો જીવ બચાવીને ઘર તરફ પરત ફરી રહ્યો હતો ત્યારે આરોપી મયુરે લોખંડનો પાઇપ લાવી આનંદીની મોટી બહેન પ્રિયંકાબેન ઉપર પણ હુમલો કર્યો હતો. આટકોટ પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહિલા પી.આઈ યુ.એમ. રાઠોડે આ અંગે વધુ તપાસ શરુ કરી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.