ગુજરાત
લાલપુરના પીપરટોડા ગામમાં યુવતીનું સર્પદંશથી મોત
સારવાર દરમિયાન દમ તોડ્યો
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના વડ પાંચસરા ગામમાં રહેતી એક યુવતી પોતાના કુટંબી ભાઈના ઘેર પીપરટોડા ગામે આંટો દેવા ગઈ હતી, જ્યાં તેણીને સર્પ કરડી જતાં વિપરિત અસર થયા પછી અપમૃત્યુ થયું છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના વડ પંચસરા ગામમાં રહેતી સંગીતાબા જીતેન્દ્રસિંહ જાડેજા નામની 25 વર્ષની યુવતી, કે જે પીપરટોડા ગામમાં રહેતા પોતાના કુટુંબી ભાઈ જયેન્દ્રસિંહ જાડેજા ની વાડીએ આંટો દેવા માટે ગઈ હતી.
જ્યાં તેણીને એકાએક સર્પ કરડી જતાં વિપરીત અસર થઈ હતી, અને તેણીને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. આ બનાવ અંગે મૃતક ના પતિ જીતેન્દ્રસિંહ મહાવીરસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.