ઊલટી ગંગા, ભાજપને ‘પક્ષપલટા’નો ડર, ચૂંટાયેલા સભ્યોને ગાંધીનગર લઇ ગયા

ગુજરાતમાં સ્થાનિક, રાજ્ય કે કેન્દ્રની ચૂંટણી પહેલાં રાજ્યના વિપક્ષના નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાઈને ’પક્ષપલટો’ કરવાના સમાચાર રાજ્યની પ્રજા માટે કોઈ નવી વાત નથી રહી.…

ગુજરાતમાં સ્થાનિક, રાજ્ય કે કેન્દ્રની ચૂંટણી પહેલાં રાજ્યના વિપક્ષના નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાઈને ’પક્ષપલટો’ કરવાના સમાચાર રાજ્યની પ્રજા માટે કોઈ નવી વાત નથી રહી. પરંતુ તાજેતરમાં ગુજરાતના વલસાડ જિલ્લામાં કંઈક ’અજુગતું’ જ જોવા મળ્યું. ભાજપે ધરમપુર તાલુકા પંચાયતના પોતાના ચૂંટાયેલા 13 સભ્યોને ગાંધીનગર લઈ જવા પડ્યા છે. સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓની વાત માનીએ તો આવું ભાજપે ’તેના ચૂંટાયેલા સભ્યો કોંગ્રેસમાં ચાલ્યા જવાની બીકને લીધે’ કર્યું છે.

ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલે કારણ જણાવતાં કહ્યું છે કે, “પક્ષના આદેશ મુજબ સભ્યોને ગાંધીનગર લઈ જવાયા છે” જોકે, જાણકારોના મતે, ધરમપુર તાલુકામાં ભાજપ માટે ’કપરી સ્થિતિ’ પેદા થઈ છે. ભાજપના અગ્રણીઓ પોતાના તાલુકા પંચાયતના 13 ચૂંટાયેલા સભ્યોને ગાંધીનગર લઈ ગયયા છે. પ્રાપ્ત થઈ રહેલી વિગતો અનુસાર, તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી થાય ત્યાં સુધી આ સભ્યો ત્યાં જ રહેશે.

વલસાડ જિલ્લામાં ભાજપે પાંચ તાલુકા પંચાયતમાં જીત હાંસલ કરી છે, પરંતુ ધરમપુર તાલુકા પંચાયતની કુલ 24 બેઠકો પૈકી તેને 13 બેઠક પર જ પાતળી સરસાઈ મળી છે. ધરમપુરમાં દસ બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી હતી. જ્યારે એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે. આ અપક્ષ સભ્ય કોંગ્રેસ સાથે જોડાઈ જતાં કોંગ્રેસની 11 બેઠક થઈ હતી. ધરમપુર તાલુકા પંચાયતમાં દેખીતી રીતે ભાજપે બહુમત તો હાંસલ કર્યો છે, પરંતુ એક સમયે ’કોંગ્રેસનો ગઢ’ રહેલા ધરમપુર તાલુકામાં પોતાના જ સભ્યો પક્ષાંતર કરીને કોંગ્રેસમાં જતા રહે અને કોંગ્રેસ સત્તામાં આવી જાય તેમજ પોતે હાથમાં આવેલી બાજી ગુમાવી પડે એવી દહેશત તાલુકા ભાજપમાં પ્રવર્તી રહી હોવાની રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે.