ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જામ્યો છે ત્યારે, ગોંડલ બેઠક પર રાજકીય હિલચાલ તેજ બની છે. કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પાતર અને રાજન નામના એક યુવક વચ્ચેની ટેલિફોનિક વાતચીતની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે, જેમાં ફોર્મ ખેંચવા માટે દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપોએ ખળભળાટ મચાવ્યો છે.
વાયરલ થયેલી ક્લિપમાં દિનેશ પાતર અને રાજન વચ્ચે ઉગ્ર અને ભાવુક સંવાદ સાંભળવા મળે છે. ઓડિયોમાં દિનેશ પાતર કટાક્ષ કરતા કહે છે કે, જો તને ફોર્મ ખેંચાવવાનું કામ સોંપ્યું હોય તો મને કહેજે, મારેય ખેંચવું છે, કંઈક ઓફર દેવરાવ. તને જો જયરાજસિંહ અને ગણેશ જાડેજાએ કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો મને પણ કંઈક લાભ દેવરાવ.
દિનેશ પાતરે આ વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે, ફોર્મ ભરવું એ તેમની આબરૂૂનો સવાલ છે. તેમણે ભાવુક થઈને રાજન નામના યુવકને કહ્યું કે, તું ઘરનો છોકરો છો, તારી ભાજપમાં જોડાયેલા રહેવાની મજબૂરી હોઈ શકે, પણ અમારી આબરૂૂ માથે હાથ નાખોમાં.” તેમણે આ રેકોર્ડિંગ તેના ’બોસ’ને સંભળાવવાની પણ ખુલ્લી પડકાર ફેંક્યો હતો.
આ મામલે દિનેશ પાતરે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, ગોંડલમાં સત્તાધારી પક્ષ દ્વારા ડર અને લાલચનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. દિનેશ પાતરના જણાવ્યા અનુસાર, વોર્ડ નંબર 7 (અનામત બેઠક) પર સ્થાનિક વાલ્મિકી સમાજના લોકો ભાજપની કિન્નાખોરીથી ડરતા હોવાથી ચૂંટણી લડવા તૈયાર નહોતા. જ્યારે તેમણે પોતાના વિસ્તારના યુવાનને ત્યાં ઉમેદવાર તરીકે ઉતાર્યો, ત્યારે જ્ઞાતિના એજન્ટો દ્વારા તેને ફોર્મ ખેંચવા દબાણ કરાયું.તેમણે એક દાખલો આપતાં જણાવ્યું કે, વિરોધ પક્ષને ટેકો આપનારના પરિવારજનોના ડમ્પર રોકી દઈને અથવા ધંધામાં અડચણો ઊભી કરીને તેમને ટેકો પાછો ખેંચવા મજબૂર કરવામાં આવે છે.

