Site icon Gujarat Mirror

મોટી પાનેલીમાં જુગારનો દરોડો, ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચના પતિ સહિત 6 ઝડપાયા

રાજકોટ ગ્રામ્ય પોલીસે જુગારના દૂષણને ડામવા માટે ઓપરેશન હાથ ધર્યું છે. આ અંતર્ગત ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં એક હાઈ-પ્રોફાઈલ દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે મોટી પાનેલી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચના પતિ સહિત કુલ 6 શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા અને તેમની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે. આ કેસમાં ઝડપાયેલા આરોપીઓમાં મનુભાઈ ભાલોડીયાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, મનુભાઈ ભાલોડીયાના પત્ની ગત ટર્મ દરમિયાન મોટી પાનેલી ગ્રામ પંચાયતના સરપંચ હતા. ગામના પ્રતિષ્ઠિત પરિવાર અને રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા વ્યક્તિનું નામ જુગારના કેસમાં ખુલતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

ભાયાવદર પોલીસ સ્ટેશનનો સ્ટાફ 4 જાન્યુઆરી, 2026ના રોજ પાનેલી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે ફુલઝર સોસાયટીની બાજુમાં, હરેશભાઈ વડેચાની વાડી સામે આવેલા વોકળા કાંઠે ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે સાંજે દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસે મનુભાઈ ભાલોડીયા (પૂર્વ સરપંચના પતિ), લખમણભાઈ હુણ (ઉંમર 65), અશોકભાઈ કાલરીયા (ઉંમર 65), હરેશભાઈ કરશનભાઈ વડેચા, પ્રવિણભાઈ ઉર્ફે ભોલો સોલંકી અને હંસાબેન મકવાણાની અટકાયત કરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ ₹10,400/- અને 52 નંગ ગંજીપત્તા કબજે કર્યા છે. ભાયાવદર પોલીસે તમામ વ્યક્તિઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ 12 મુજબ ગુનો નોંધ્યો છે. મનુભાઈ ભાલોડીયા સહિત ત્રણ વૃદ્ધોની ઉંમર 60 વર્ષથી વધુ હોવાથી અને મહિલા આરોપીને B.N.S.S. ની કલમ 35(3) હેઠળ નોટિસ આપવામાં આવી છે. આ કેસની વધુ તપાસ એ.એસ.આઈ. વી.આર. વાણવી ચલાવી રહ્યા છે.

Exit mobile version