Site icon Gujarat Mirror

સા.કુંડલા-મહુવા રોડ પર સુલભ હોસ્પિ. પાસે વારંવાર ગટર ઉભરાવાની સમસ્યા

ગંદા પાણીના ભરાવાથી આસપાસના રહીશોના આરોગ્ય સામે જોખમ : તંત્ર દ્વારા તાત્કાલિક રીપેરીંગ કરવા માંગ

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલી સુલભ હોસ્પિટલની આસપાસ વારંવાર ગટર ઉભરાવાની સમસ્યા વધુ તીવ્ર બની રહી છે. આ વિસ્તારમાં રહેતા નાગરિકો અને હોસ્પિટલના કર્મચારીઓ-રોગીઓને આ સમસ્યા કારણે મોટી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ગંદા પાણીના ઉભરાવને કારણે વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે, જે આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, આ સમસ્યા છેલ્લા અનેક મહિનાઓથી ચાલી રહી છે અને વરસાદના દિવસોમાં તો તે વધુ વિકરાળ બને છે. તેઓએ નગરપાલિકા અને સંબંધિત તંત્રને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ અત્યાર સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. “અમે તંત્રને વારંવાર જાણ કરી છે, પરંતુ તેઓ માત્ર વચનો આપે છે અને કોઈ કાર્યવાહી કરતા નથી,” એમ એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું.
આ વિસ્તારમાં આવેલી હોસ્પિટલને કારણે અહીં દર્દીઓ અને તેમના સ્વજનોની અવરજવર વધુ હોય છે, જેથી આ સમસ્યા વધુ ગંભીર બને છે. ગટરના ઉભરાવને કારણે રસ્તા પર પાણી ભરાઈ જાય છે, જે વાહનચાલકો માટે પણ જોખમી છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરીને ગટરલાઈનનું રિપેરિંગ કરે અને ભવિષ્યમાં આવી સમસ્યા ન વધે તે માટે કાયમી વ્યવસ્થા કરે.

Exit mobile version