વિવાદ બાદ ફ્રાન્સનો એફિલ ટાવર બંધ! BAPSના પ્રવાસ વખતે મહિલા કર્મચારીઓને હટાવાતા ભેદભાવનો આરોપ

  પેરીસના ફેમસ એફિલ ટાવર પર પર અચાનક વિરોધ પ્રદર્શન શરૂ થતાં તેને અસ્થાયી રૂપે બંધ રાખવાની ફરજ પડી હતી. આ વિરોધ શનિવારે બોચાસણવાસી અક્ષર…

 

પેરીસના ફેમસ એફિલ ટાવર પર પર અચાનક વિરોધ પ્રદર્શન શરૂ થતાં તેને અસ્થાયી રૂપે બંધ રાખવાની ફરજ પડી હતી. આ વિરોધ શનિવારે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) સાથે જોડાયેલા એક હિન્દુ ધાર્મિક પ્રતિનિધિમંડળની મુલાકાત બાદ શરૂ થયો હતો. કર્મચારી યુનિયનનો આરોપ છે કે આ ધાર્મિક જૂથની મુલાકાત દરમિયાન મહિલા કર્મચારીઓને તેમના વર્ક સ્ટેશન પરથી હટાવી દેવામાં આવી હતી અને તેમની જગ્યાએ પુરુષ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. આ પ્રકારના ભેદભાવપૂર્ણ વલણ અને નિર્દેશો સામે ટાવરના કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ વરિષ્ઠ ફ્રેન્ચ રાજકારણીઓએ પણ આ બાબતની ટીકા કરી હતી, અને પેરિસ વહીવટીતંત્રે સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ પેરિસના આ પ્રખ્યાત સ્થળનું સંચાલન કરતી કંપની SETEએ જણાવ્યું કે તેને ખાસ પરિસ્થિતિઓને કારણે બંધ કરવામાં આવ્યું હતું. આ વિરોધ BAPS હિન્દુ મૂવમેન્ટ સાથે જોડાયેલા લગભગ 100 લોકોની મુલાકાત બાદ થયો હતો, જેમણે વીકએન્ડ પર ફ્રાન્સમાં એક નવા મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું.

યુનિયન પ્રતિનિધિ ડાયેન ડેવોઇને સમાચાર એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે પ્રતિનિધિમંડળ પસાર થાય ત્યારે મહિલા કર્મચારીઓને તેમના વર્કસ્ટેશન છોડી દેવાનું કહેવામાં આવ્યું હતું, જેનાથી પુરુષ સ્ટાફને તેમના પદ સંભાળવાની મંજૂરી મળી હતી.

આ દરમિયાન BAPS દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સામાન્ય પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે અને મુલાકાતીઓની અવરજવર સામાન્ય રહે તે હેતુથી આ મુલાકાતનું આયોજન એફિલ ટાવરના મેનેજમેન્ટ સાથે સંકલન સાધીને કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન કોઈપણ અન્ય પ્રવાસીને પ્રવેશ નકારવામાં આવ્યો હોય તેવી કોઈ ઘટના અમારા ધ્યાને આવી નથી. તેમ છતાં, આ પરિસ્થિતિને કારણે જેમને પણ દુઃખ થયું હોય કે અસુવિધા થઈ હોય તે તમામે તમામની અમે માફી માંગીએ છીએ. અમે પરસ્પર આદર અને સેવાના સિદ્ધાંતો પ્રત્યે કટિબદ્ધ છીએ અને આ ઘટના અંગે ઉઠાવવામાં આવેલી ચિંતાઓને અત્યંત ગંભીરતાથી લઈએ છીએ.

જોકે, BAPS એ સમગ્ર વિવાદ પર દિલગીરી વ્યક્ત કરી અને પરિસ્થિતિથી નારાજ અથવા અસુવિધા અનુભવનાર કોઈપણ વ્યક્તિ પ્રત્યે નિષ્ઠાપૂર્વક માફી માંગી.

પેરિસના ડેપ્યુટી મેયરે તપાસનો આદેશ આપ્યો

પેરિસના ડેપ્યુટી મેયર ઇમેન્યુઅલ ગ્રેગોઇરે આ મામલે તપાસનો આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે એફિલ ટાવરના સ્ટાફ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓ માન્ય છે અને તેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. એફિલ ટાવરનું સંચાલન કરતી કંપની SETE એ સ્વીકાર્યું કે પ્રતિનિધિમંડળે એવી ટૂર વ્યવસ્થાની વિનંતી કરી હતી જે મહિલાઓ સાથે ઓછામાં ઓછી વાતચીત કરે. SETEએ પણ સ્વીકાર્યું કે આવી શરતો સ્વીકારવી જોઈતી ન હતી.