Site icon Gujarat Mirror

ભાણવડ પંથકમાં સગીરાની છેડતી કરનાર બે આરોપીઓને ચાર વર્ષની સખત કેદ તથા દંડ

ભાણવડ ટાઉન વિસ્તારમાં વેરાડ નાકાના અંદરના ભાગે ગત તારીખ 14 જાન્યુઆરી 2025 ના રોજ બપોરના સમયે આ જ ગામના હરીશ મંગાભાઈ ચૌહાણ અને વિજય રામજી શ્રીમાળી નામના બે શખ્સો કેફી પીણું પીધેલી હાલતમાં એક શાકભાજીની રેંકડીએ ગયા હતા. જ્યાં રેકડીના માલિક હાજર ન હોવા છતાં રેકડીએથી શાક-બકાલુ લેતા હોવાથી નજીકમાં રહેલી એક સગીરા તેને જોઈ જતા બંને આરોપીઓએ આ સગીરાને કહેલ કે તું શું કામ અમે બકાલુ લઈએ છીએ તે જુએ છે? તેમ કહીને ભોગ બનનાર ફરિયાદીને જાહેરમાં આબરૂૂ લેવાના ઈરાદે કાંડુ પકડીને એક તરફ ખેંચીને લઈ ગયા હતા. ત્યાર બાદ આરોપીઓએ તેણીને છાતીમાં ભાગે અડપલા કરી, જાતીય સતામણી કરી અને બિભત્સ ગાળો કાઢી હતી.

આ ઉપરાંત આરોપીઓ દ્વારા જો તેણી ફરિયાદ કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાનો બનાવ આ જ દિવસે ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં તપાસનીસ પોલીસ અધિકારી દ્વારા આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવાઓ મેળવીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું.
આ પછી આરોપીઓ દ્વારા જામીન મુક્ત થવા માટે હાઇકોર્ટમાં પણ અરજી કરતા હાઇકોર્ટે પણ તેઓના જામીન ફગાવી દીધા હતા.

આ અંગેનો કેસ ખંભાળિયાના સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એસ.જી. મનસુરી સમક્ષ ચાલી જતા આ પ્રકરણમાં ભોગ બનનાર તથા અન્ય મહત્વના સાહેદોની જુબાની તેમજ અન્ય આધાર પુરાવાઓ સાથે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી વિવિધ દલીલોને ગ્રાહ્ય રાખી, નામદાર અદાલતે છેડતીના પ્રકરણમાં પોક્સોના ગુના સંદર્ભે ચાર વર્ષની સખત કેદ તથા અન્ય ગુનામાં પણ જુદી જુદી સજાઓ તેમજ બંનેને રૂૂપિયા 25-25 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

આ ઉપરાંત ભોગ બનનારને તેના સામાજિક, આર્થિક અને માનસિક પુનર્વસન માટે વિટનેસ કમ્પનશેસન સ્કીમ હેઠળ રૂૂપિયા 50,000 નું વળતર ચૂકવવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે.

Exit mobile version