રાષ્ટ્રીય
બરેલીમાં ચાર વર્ષની બાળકીની કાકી અને તાંત્રિકે બલિ ચઢાવી
દીપાવલીના તહેવારોમાં ખૌફનાક ઘટના, બન્નેની ધરપકડ
યુપીના બરેલીમાં 4 વર્ષની બાળકીની બલિ ચઢાવી દેવાનો મામલો આવ્યો છે. પીડિતાની કાકી અને તાંત્રિક ભેગા મળીને કાળા જાદુના ચક્કરમાં 4 વર્ષની બાળકીની હત્યા કરી નાખી હતી અને લાશ કોથળામાં ભરીને મૂકી રાખી હતી. બાળકીની લાશ હોવાથી કાકી ઘરમાં કોઈ આવવા દેતી નહોતી.
બરેલીના એક ગામમાં તાંત્રિક વિધિ કરવા માટે ચાર વર્ષની બાળકીની હત્યા કરવા બદલ પીડિતાની કાકી અને એક તાંત્રિકની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે ચાર વર્ષની બાળકી મિસ્ટીના પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે કાર્યવાહી કરી અને બાળકીની કાકીના ઘરેથી તેનો મૃતદેહ કબજે કર્યો. મિસ્ટી શનિવારે શિકારપુર ચૌધરી ગામમાં તેના ઘરેથી ગુમ થઈ ગઈ હતી, ત્યારબાદ તેના પરિવારજનોએ ઈજ્જત નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મિસ્ટીની કાકી સાવિત્રીએ કોઈને પણ તેના ઘરમાં આવવા દેતી નહોતી આથી પોલીસને વધારે શક પડ્યો હતો અને આખરે પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરીને સાવિત્રીના ઘેર દરોડા પાડ્યાં હતા અને ત્યારે બોરવેલ પાસે રાખેલી બોરીમાંથી મિસ્ટીની લાશ મળી આવી હતી. વરિષ્ઠ પોલીસ અધિક્ષક અનુરાગ આર્યએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સાવિત્રી અને તાંત્રિક ગંગારામે કાળા જાદુ સંબંધિત ધાર્મિક વિધિઓ માટે છોકરીની હત્યા કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કેસની તપાસ શરૂૂ કરી છે.