ચોટીલાના મેવાસા ગામની ઘટના: બાળકીને સારવાર માટે રાજકોટ ખસેડાઈ પણ જીવ ન બચ્યો
ચોટીલા તાલુકાના મેવાસા ગામે રહેતા પરિવારની ચાર વર્ષની માસુમ બાળકી સંધ્યા ટાણે ઘર પાસે ટ્રેકટરની ટોલીમાં રમતી હતી ત્યારે અકસ્માતે નીચે પટકાઈ હતી. ગંભીર રીતે ઘવાયેલી બાળકીને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. બાળકીનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ, ચોટીલા તાલુકાના મેવાસા ગામે રહેતા પરિવારની ક્રિષ્નાબેન દિનેશભાઈ જાદવ નામની ચાર વર્ષની માસુમ બાળકી સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે ટ્રેકટરની ટોલીમાં રમતી હતી ત્યારે અકસ્માતે રમતા રમતા માસુમ બાળકી નીચે પટકાઈ હતી. ગંભીર રીતે ઘવાયેલી બાળાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પુછપરછમાં મૃતક બાળકી એક ભાઈ બે બહેનમાં નાની હતી અને ટ્રેકટરની ટોલીમાં રમતી હતી ત્યારે અકસ્માતે નીચે પટકાતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે ચોટીલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

