ઉન્નાવ બળાત્કાર કેસના આરોપી પૂર્વ ધારાસભ્યનો જેલવાસ હવે લંબાશે

ઉન્નાવ બળાત્કાર કેસના મુખ્ય દોષિત અને પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની મુશ્કેલીઓમાં ફરી વધારો થયો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના તે આદેશ પર રોક લગાવી…

ઉન્નાવ બળાત્કાર કેસના મુખ્ય દોષિત અને પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની મુશ્કેલીઓમાં ફરી વધારો થયો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના તે આદેશ પર રોક લગાવી દીધી છે, જેમાં સેંગરની આજીવન કેદની સજાને સ્થગિત કરવામાં આવી હતી. આ ચુકાદા સાથે હવે સેંગરે જેલમાં જ રહેવું પડશે. સુપ્રીમ કોર્ટે આ મામલે ફરીથી સુનાવણી કરવા માટે કેસ દિલ્હી હાઈકોર્ટને પરત મોકલ્યો છે.

જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, હાઈકોર્ટના આદેશને સંપૂર્ણપણે ખોટો નથી કહેવામાં આવી રહ્યો, પરંતુ આ કેસમાં કેટલાક ગંભીર કાનૂની પ્રશ્નો જોડાયેલા છે જેના પર વિગતવાર વિચાર કરવો જરૂૂરી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે તેમણે હાલમાં કેસના ગુણદોષ પર કોઈ અભિપ્રાય આપ્યો નથી, પરંતુ પ્રક્રિયાગત પાસાઓને ધ્યાને રાખીને આ નિર્ણય લીધો છે.

સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટને સૂચના આપી છે કે મુખ્ય અપીલ પર શક્ય હોય તો ઉનાળુ વેકેશન પહેલા, અથવા વધુમાં વધુ બે મહિનાની અંદર સુનાવણી પૂર્ણ કરવામાં આવે. જો મુખ્ય અપીલ પર જલ્દી સુનાવણી ન થઈ શકે, તો સજા મોકૂફીની અરજી પર નવો આદેશ પસાર કરવા માટે પણ કોર્ટે જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં ઉન્નાવમાં સગીર બાળકી પર બળાત્કારના કેસમાં નીચલી અદાલતે કુલદીપ સિંહ સેંગરને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. બાદમાં દિલ્હી હાઈકોર્ટે આ સજાને સસ્પેન્ડ કરીને તેને રાહત આપી હતી, જેને હવે સુપ્રીમ કોર્ટે પલટી નાખી છે. આ નિર્ણયથી પીડિતાના પરિવારને ન્યાયની આશા ફરી જીવંત થઈ છે.